- જેટકોના ઇતિહાસમાં પ્રથમ વખત બહારથી અધિકારીઓ હાયર કરી એકતરફી કાર્યવાહી કરાયાનો આરોપ
રાજ્યના વીજ વિભાગ હેઠળ આવતા ગુજરાત ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં વર્ષ 2012-13માં કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા બાદ લાંબા સમયથી નોકરી કરી રહેલા ત્રણ ઇજનેરોને પ્રમોશન આપતા સમયે જ તમારે ઓછા માર્ક્સ આવ્યા છે કહી અચાનક ટર્મિનેટ કરવા આદેશ કરવામાં આવતા આ મામલો હાઇકોર્ટમાં ગયા બાદ પણ જેટકોના ઉચ્ચ અધિકારીઓએ ટર્મિનેટ કરવામાં આવેલા ઇજનેરોને ભરતી સમયે કેટલા માર્ક્સ આવ્યા છે તેના પુરાવા બતાવ્યા વગર તેમજ રજીસ્ટર એડીથી નિમણુંક પત્ર ન મળ્યા હોવાનું કહી સંતોષકારક કામગીરી કરનાર ઇજનેરોને ટર્મિનેટ કરવાની સાથે 90 લાખની રિકવરી કાઢતા સમગ્ર મામલો વીજતંત્રમાં ચર્ચાસ્પદ બન્યો છે.
જેટકોના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં વર્ષ 2012-13માં કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં કુલ 164 ઇજનેરોની ભરતી કરવામાં આવી હતી જે બાદ ત્રણ ઇજનેરોને તમારે માર્ક્સ ઓછા આવ્યા છે તેમજ તમને નિમણૂકપત્ર રજીસ્ટર એડીથી મળ્યા ન હોવાનું કહી પ્રમોશન આપવા ન પડે તે માટે થઇ ટર્મિનેટ કરતો હુકમ કરવામાં આવતા બે ઈજનેરોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો કે, હાઇકોર્ટના આદેશ મુજબ 31-01-2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો જેમાં તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ઇજનેરોને ટર્મિનેટ કરતો હુકમ કરવામાં પણ ગરબડી કરી 22-જાન્યુઆરીથી આચાર સંહિતા લાગુ પડતા 21 તારીખે લેટર ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો જેમાં ચીફ ઇજનેરે તા.24 જાન્યુઆરીના રોજ સહી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, વર્ષ 2012-13માં કુલ 164 ઇજનેરોની ભરતી બાદ ત્રણ ઇજનેરોને 50 ટકા ગુણ ન મળ્યા હોવાથી ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવતા ઈજનેરોએ ક્યાં ઉમેદવારને કેટલામાર્ક્સ મળ્યા છે તેના પુરાવા માંગતા જેટકોના વહીવટીતંત્રે માર્કની સોફ્ટ કોપી કે હાર્ડ કોપી જોવા આપી ન હતી તેમજ ટર્મિનેશનના બીજા કારણમાં રજીસ્ટર એડીથી નિમણુંક હુકમ ન અપાયા હોવાનું કારણ આપતા ભોગ બનેલા ઈજનેરોએ અન્ય ઇજનેરની નિમણુંક કરવા અંગેના રજીસ્ટર એડીથી હુકમો આપવામાં આવ્યા હોય તો આઉટવર્ડ રજીસ્ટર સહિતના પુરાવા માંગતા જેટકોના વહીવટીતંત્રએ પુરાવા ન આપવાની સાથે પરીક્ષા લેતા સમય પણ બે બેચને બદલે ત્રણ બેચમાં એક બેચ માટે વિશેષ વ્યવસ્થા કરી નિયમ વિરુદ્ધ ટેસ્ટ યોજ્યાના આરોપ પણ લાગી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઇજનેરોની નિમણુંક બાદ તેઓને બે વર્ષ માટે વિદ્યુત સહાયક તરીકે કામગીરી કરાવવામાં આવી હતી અને બાદમાં પ્રોબેશન પિરિયડ અને ત્યાર બાદ રેગ્યુલર નોકરીમાં પણ ટર્મિનેટ થયેલા ત્રણેય ઇજનેરોની નોંધપાત્ર કામગીરી રહેવા છતાં પ્રમોશન સમયે અચાનક જ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા બાદ જેટકોના ઇતિહાસમાં પ્રથમ વખત જ બહારથી અધિકારીએ હાયર કરી તપાસ કરવામાં આવી હતી જેમાં ન્યાય આપવાને બદલે જેટકોએ એકતરફી તપાસ કરી રૂપિયા 90 લાખની રિકવરી કાઢવામાં આવતા હવે ફરી આ મામલે હાઇકોર્ટમાં કાનૂની લડત આપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.