લોલમલોલ…મેડિકલ સ્ટોર સસ્પેન્ડ કરાયા છતાં દવાનું વેચાણ બિન્દાસ્ત !! ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લાપરવાહી કે સેટિંગ ?
સંત કબીર રોડ પર આવેલા ઈશા મેડિકલ સ્ટોરને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તા.૧૨થી ૧૫ એમ ચાર દિ’ સસ્પેન્ડ કર્યું, ૧૩એ દવા વેચાઈ રહી’તી
નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોકમાં સન્માન મેડિસિન્સને તા.૧૪થી ૧૭ એમ ચાર દિ’ સસ્પેન્ડ કર્યું, ૧૪એ જ દવાનું ધૂમ વેચાણ
એકવાર સસ્પેન્ડ કર્યા બાદ ખરેખર તે મેડિકલ સ્ટોરની સ્થિતિ શું છે તે સહિતની ખરાઈ વિભાગ કરતો જ નથી કે પછી ટેબલ નીચેથી બધું ગોઠવાઈ જતું હશે ? સો મણનો સવાલ
રાજકોટનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાણે કે કાયમ માટે વિવાદમાં રહેવા માટે જ પંકાઈ ગયો હોય તેવી રીતે છાશવારે તેની કામગીરી કહો તો કામગીરી, કારીગરી કહો તો કારીગરી પર આંગળી ચીંધાતી જ રહે છે. તાજેતરમાં જ એક નાગરિકે વોઈસ ઓફ ડે'ના અહેવાલોને ટાંકીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લાપરવાહીની ફરિયાદ છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી અને તે ફરિયાદના આધારે તપાસ પણ ચાલી રહી છે. બીજી બાજુ આ વિભાગની વધુ એક લાપરવાહી અથવા તો
સેટિંગ’ બહાર આવ્યું છે. સામાન્ય રીતે રાજકોટમાં સંચાલિત થઈ રહેલા તમામ મેડિકલમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો કાર્યવાહી કરવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની છે અને વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર સામે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ રહી છે પરંતુ સાથે સાથે પાછલા બારણેથી સસ્પેન્ડેડ મેડિકલ સ્ટોરને વ્યવસ્થિત ચાલવા દેવાની મંજૂરી' પણ અપાઈ રહ્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંતકબીર રોડ પર ૫-ભોજલરામ સોસાયટી, કૈલાસ મારબલની સામે આવેલા ઈશા મેડિકલ સ્ટોરને ગેરરીતિની અલગ-અલગ કલમો હેઠળ તા.૧૨-૮-૨૦૨૪થી તા.૧૫-૮-૨૦૨૪ એમ ચાર દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું. આ કાર્યવાહીનો મતલબ એ થાય કે ચાર દિવસ સુધી આ મેડિકલ સ્ટોર કોઈ પ્રકારની દવાનું વેચાણ કરી શકે નહીં. જો કે આશ્ચર્યની વાત એ છે કે સસ્પેન્ડ થયાના બીજા જ દિવસે એટલે કે તા.૧૩-૮-૨૦૨૪ના રોજ આ મેડિકલ સ્ટોર પરથી દવાનું વેચાણ થયાનો પૂરાવો
વોઈસ ઓફ ડે’ને હાથ લાગ્યો છે.
આવો જ એક બીજો સન્માન મેડિકલ સ્ટોર કે જે નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોકમાં સૂર્યમુખી હનુમાન મંદિર સામે આવેલો છે. તેને પણ ગેરરીતિ બદલ અલગ-અલગ કલમો લગાવીને તા.૧૪-૧૦-૨૦૨૪થી તા.૧૭-૧૦-૨૦૨૪ સુધીના ચાર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે સસ્પેન્ડ થયાના દિવસે એટલે કે તા.૧૪-૧૦-૨૦૨૪ના દિવસે જ ત્યાંથી દવાનું વેચાણ થયું હતું.
હવે જો સસ્પેન્ડ કરાયા છતાં મેડિકલ સ્ટોર ધમધમે તો પછી આ કાર્યવાહીનો મતલબ જ શું રહેશે તેવો સવાલ પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી. શું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માત્ર નામ પૂરતું જ મેડિકલ સ્ટોરને સસ્પેન્ડ કરતો હશે કે પછી કોઈ પ્રકારનો `નૈવેદ્ય’ લઈને ખાસ કિસ્સામાં સસ્પેન્ડ છતાં મેડિકલ સ્ટોર પરથી દવાના વેચાણને મંજૂરી આપવામાં આવતી હશે ? આ વાતનો જવાબ વિભાગના અધિકારીઓ જ આપી શકે.
એવી ચર્ચા પણ ચાલી રહી છે કે વિભાગ દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ ખરેખર એ મેડિકલ સ્ટોર ચાલું છે કે બંધ તેની ખરાઈ કરવામાં આવતી જ નથી એટલા માટે આ કાર્યવાહીનો કશો મતલબ રહેતો નથી. મેડિકલ સ્ટોર સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરાય છે ત્યારે જો તેને આ પ્રકારે છૂટ મળે તો ગેરરીતિ કરવા માટે તેની હિંમતમાં પણ વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.