ફેસબુકમાં ફેક આઈડી પર આંધળો વિશ્વાસ વેપારીને રૂ.27.87 લાખમાં પડ્યો
મનીષા સેન નામની નકીલ આઈડી પરથી વિરપુરના વેપારીને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી ગોલ્ડમાં રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચ આપી સાયબર ફ્રોડનો શિકાર બનાવ્યા : એપ્લિકેશનમાં પડેલા 50 લાખ ખાતામાં જમા કરી આપવાનું કહી ગઠિયાઓએ ટેક્ષના નામે રૂપીયા પડાવ્યા
હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન જોખમરૂપ બન્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસેને દિવસે વધારો થતાં સરકાર દ્વારા અલગ-અલગ રીતે લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનતા અટકાવવા અવેરનેસના કાર્યકમો કરવામાં આવે છે.તેમજ હાલ તો ફોન પર સાયબર આવેસનેસની ર કોલર ટ્યુન પણ ચલાવવામાં આવી રહી છે. છતાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. વિરપુરમાં રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થીને ફેસબુકમાં એક મહિલાએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.અને બાદમાં મેસેજમાં વાતચીત કરી એપ્લિકેશનની એક લિન્ક મોકલી ગોલ્ડમાં રોકાણ કરવાનું કહ્યું હતું.અને કટકે-કટકે વેપારી પાસેથી રૂ.27.87 લાખ પડાવી લઇ સાયબર ફ્રોડ કરતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે.
વિગત મુજબ વિરપુર દીલીપપરા શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતાં અશોકભાઇ છગનભાઇ વઘાસીયા (પટેલ) (ઉ.વ.51)એ વિરપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના ફેસબુક એકાઉન્ટમાં મનીષા સેન નામથી મહિલાની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ તેમને સ્વીકારરી હતી. થોડા સમય બાદ આ મનીષા સેનનો ફેસબુક મેસેન્જરમા મેસેજ આવેલ અને ત્યારથી તેમના વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. અને આ મનિષા સેને વેપારીને ફેસબુક મેસેન્જરમા તેનો વોટ્સએપ મોબાઇલ નંબર આપી તેમ વાત કરવા જણાવ્યું હતું.એક દિવસ મનીષા સેને જણાવેલ કે હું જી.ઈ.ડબલ્યુ.ઈ ગોલ્ડ માર્કેટમા રોકાણ કરવાની ટીપ્સ આપવાનું તેમજ રોકાણ કરવાનું કામકાજ કરૂ છુ. અને મારા અંકલ અમેરીકા રહે છે જે ત્યાથી મને માર્કેટ વિશે ગાઇડ કરે છે. તમારે પૈસાનું રોકાણ કરવું હોય તો તમને વ્યાજ વધુ મળશે તેમ વાત કરતાં વેપારી આ ફેક આઈ-ડીની વાતમાં આવી ગયા હતા.
બાદમાં આ ગઠિયાએ વેપારીને જી.ઈ.ડબલ્યુ.ઈ ગોલ્ડ નામની એપ્લિકેશનની લિન્ક મોકલી હતી.વેપારીએ આ એપ્લિકેશન ડાઉન્ડલોડ કરી તેમ આઇડી બનાવ્યું હતું.અને શરૂઆતમાં 40 હજારનું રોકાણ કર્યું હતું.જેનું વ્યાજ તેમના ખાતામાં જમા થતાં તેઓને આ એપ્લિકેશન અને મનીષા પર વિશ્વાસ આવી ગયો હતો.જેથી કટકે કટકે 7.40 લાખનું રોકાણ કર્યું હતું.જે પૈસા અલગ અલગ ખાતામાં જમા કર્યા હતા.બાદમાં વેપારીને એપ્લિકેશનના એકાઉન્ટમાં કુલ 36 હજાર યુએસડિટી જમા દેખાડતી હતી.જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 50 લાખ જેટલી રકમ થતી હતી.પંરતુ આ પૈસા ખાતામાં જમા થતાં ન હોવાથી તેને મનીષાને મેસેજ કર્યો હતો.તો મનીષાએ આ પૈસા જમા કરવા 13.54 લાખ ટેક્ષ ભરવો પડશે તેમ જણાવ્યું હતું.આમ પૈસા ઉપાડવાની લાલચમાં વેપારીએ કટકે કટકે અલગ અલગ ખાતામાં 28.44 લાખ જમા કરી દીધા હતા.જેમાંથી માત્ર 56 હજાર જ તેમને પરત મળ્યા હતા.બાકીના રૂ.27.87 લાખ તેમના ખાતામાં જમા ન થતાં પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું માલૂમ પડતાં ફોન કરી સાયબર પોલીસમાં અરજી કરી હતી.બાદમાં વિરપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.