બજેટ 2025માં બિહાર ઉપર ખાસ ધ્યાન : મખાના બોર્ડ અને પટના એરપોર્ટના ડેવલપમેન્ટ સહિત આ 5 મોટી જાહેરાત કરવામાં આવી
લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સિતારમને લોકસભામાં રજુ કરેલા કેન્દ્રીય બજેટમાં એકવાર ફરીથી બિહાર ઉપર ખાસ ધ્યાન આપ્યુ હતું. નાણા મંત્રીએ બિહાર માટે પાંચ મોટી જાહેરાતો કરી હતી જેમાં મખાના બોર્ડ બનાવવાથી લઈને પટના એરપોર્ટ વધારે ડેવલોપ કરવા સુધી અનેક એલાન કર્યા છે. જેની સીધો ફાયદો બિહારના લોકોને મળશે.
નાણામંત્રીએ બિહાર માટે કરેલી જાહેરાતમાં નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજીનું નિર્માણ, ખેડૂતો માટે મખાના બોર્ડ ની રચના, પટના IIT માટે ઇન્ફ્રા પુશ અપાશે, પટના એરપોર્ટને ડેવલપમેન્ટ અને મિથિલાંચલના વિકાસને પ્રાથમિક્તાનો સમાવેશ થાય છે.
તેમણે મખાના બોર્ડની રચનાની જાહેરાત પણ કરી હતી. તેમના ભાષણ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે મખાના ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે અને મખાનાના ઉત્પાદન, માર્કેટિંગ અને પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
બિહારમાં સૌથી વધુ મખાનાનું ઉત્પાદન થાય છે. દેશના મખાનાના કુલ ઉત્પાદનમાં બિહારનો હિસ્સો 85% થી વધુ છે. બિહારના ઉત્તર ભાગમાં મખાનાની ખેતી થાય છે. બિહારના દરભંગા, મધુબની, સીતામઢી,કટિહાર પૂર્ણિયા, સહરસા, કિશનગંજ, સુપૌલ, અરરિયા, મધેપુરા જેવા જિલ્લાઓમાં મખાનાની વિશાળ પાયે ખેતી થાય છે.