રાજકોટમા મહત્તમ 2 ડિગ્રી ઘટ્યું ! ઠંડીનો ચમકારો
લઘુતમ તાપમાન 15 ડિગ્રી ઉપર સ્થિર છતાં સવાર -સાંજ ઠંડી
રાજકોટમાં ગત મંગળવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચી ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ઉતરોતર ઘટાડો થવાની સાથે શુક્રવારે મહત્તમ તાપમાન ઘટીને 29.7 ડિગ્રી પહોંચી જતા સવારે અને સાંજના સમયે ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. શુક્રવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, ગુરુવારે રાજ્યમાં ડાંગમાં 33.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જેને બાદ કરતા અન્ય સેન્ટરોમાં મહત્તમ તાપમાનનો પારો 30થી 32 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. બીજી તરફ રાજકોટમાં મંગળવારે 34.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ બુધવારે ઘટીને 32.5 ડિગ્રી, ગુરુવારે એક ડિગ્રીના ઘટાડા સાથે 31.5 અને શુક્રવારે બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી નોંધાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. શુક્રવારે નલિયામાં 9.4 ડિગ્રી અને રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.