રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક સામે ૨ કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનશે
૧૫૦૦ લોકો સામેલ થઈ શકે તે ઉપરાંત ૧૪૧ ફોર-વ્હીલ, ૪૦૦ ટુ-વ્હીલરના પાર્કિંગની સુવિધા: ૫૦,૦૦૦થી વધુ લોકોને મળશે ફાયદો
વર-વધૂના રૂમ, સ્ટેજ, રસોડુ, ટોયલેટ-બાથરૂમની સગવડ: આઠ મહિનામાં કામ કરાશે પૂર્ણ: શહેરમાં મહાપાલિકા હસ્તકનો પ્રથમ પાર્ટીપ્લોટ પામશે નિર્માણ
દરખાસ્ત અંગે આજે સ્ટેન્ડિંગ કમિટી લેશે નિર્ણય

રાજકોટમાં મહાપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલ કાર્યરત છે જ્યાં સારા-માઠા પ્રસંગો યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે શહેરમાં મહાપાલિકા હસ્તકનો સૌપ્રથમ પાર્ટીપ્લોટ પણ નિર્માણ પામવાનો છે. શહેરના વોર્ડ નં.૧૧માં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક સામેની તરફે ગ્રેસ કોલેજ પાસેના પ્લોટમાં ૨ કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવવા માટે મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવતાં આજે તેના ઉપર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
મ્યુ.કમિશનર દ્વારા આ પ્લોટના નિર્માણ પાછળ ૨,૦૭,૮૪,૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેમાં સાત એજન્સીએ ભાગ લીધો હતો. આ પૈકી છ એજન્સી ક્વોલિફાઈડ તો એક એજન્સી ડિસ્ક્વોલિફાઈડ થઈ હતી. છમાંથી હાઈબોન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.એ કુલ ખર્ચના ૧૮.૧૮% ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવતાં ખર્ચ ઘટીને ૨,૦૦,૬૬,૭૪૭ (૧૮% જીએસટી સાથે) થયો છે. હવે હાઈબોન્ડ ઈન્ફ્રા.પ્રા.લિ.ને કામ સોંપવા માટે મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે જેના પર આજે કમિટી નિર્ણય લેશે.
આ દરખાસ્તને મંજૂરી મળી ગયા બાદ આઠ મહિનાની અંદર પાર્ટીપ્લોટ બની જશે. આ પાર્ટીપ્લોટમાં ૧૫૦૦ લોકો સામેલ થઈ શકે તેવી સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત અહીં ૧૪૧ ફોર-વ્હીલ, ૪૦૦ ટુ-વ્હીલરનું પાર્કિંગ પણ કરી શકાશે. આ સિવાય અહીં વર-વધૂના રૂમ, સ્ટેજ, રસોડું, ટોયલેટ-બાથરૂમની સગવડ પણ આપવામાં આવશે. એકંદરે આ પાર્ટીપ્લોટથી ૫૦,૦૦૦ લોકોને લાભ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પાર્ટીપ્લોટની દરખાસ્તને મંજૂરી મળી ગયા બાદ ટૂંક સમયમાં જ અન્ય બે ઝોનમાં પણ આ જ પ્રકારે પાર્ટીપ્લોટ બનાવવાનું આયોજન મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
