ચાર પ્રયત્ન કર્યા ત્યારે મનપાની મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો માટે કોઈ તૈયાર થયું !
છ મહિનાથી ચાલતી ટેન્ડર પ્રક્રિયાના અંતે આખરે એક એજન્સી `ફાઈનલ’ થતાં તેને કામ આપવું કે નહીં તેનો નિર્ણય આજે લેશે સ્ટેન્ડિંગ કમિટી
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ સફાળી જાગી ઉઠેલી મહાપાલિકા દ્વારા પોતાના હસ્તકની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરાવવા માટે દોડધામ કરવા લાગી હતી. દરમિયાન મહાપાલિકાના પૂર્વ ઝોન હસ્તકની મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરાવવા માટે છ મહિના દરમિયાન ચાર-ચાર વખત પ્રયત્ન કરાયા બાદ કોઈ તૈયાર થતાં હવે તેને કામ આપવું કે નહીં તેનો નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવશે.
પૂર્વ ઝોન હેઠળની મિલકતોમાં ૧.૦૧ કરોડના ખર્ચના અંદાજ સાથે સૌપ્રથમ ૭-૭-૨૦૨૪ના ટેન્ડર કરાયું હતું જેમાં કોઈએ ભાગ ન લેતાં બીજો પ્રયત્ન કરાયો હતો તેમાં એક એજન્સીએ રસ દાખવ્યો હતો પરંતુ તે ડિસ્ક્વોલિફાઈડ થતાં ત્રીજો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં બે એજન્સીએ ટેન્ડર ભર્યું હતું જેમાંથી એક એજન્સી ડિક્વોલિફાઈ થઈ હતી ત્યારે ગોપાલ ફાયર એન્ડ સેફ્ટી નામની એજન્સીએ ૫.૫૫% ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવી હતી પરંતુ તેમાં જીએસટી બાબતે ટેક્નીકલ ક્ષતિ સર્જાવા ઉપરાંત મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું કામ ઉમેરીને નવું એસ્ટીમેટ તૈયાર કરવામાં આવતાં ખર્ચ ૧,૨૭,૨૭,૦૦૦.૦૦ (જીએસટી સહિત) થઈ જતાં નવેસરથી ટેન્ડર કરાયું હતું.
આમ ચોથા પ્રયત્ને ચાર એજન્સી આવી હતી તેમાંથી વીર માર્કેટિંગ સર્વિસીઝે ૯.૯૩% ડાઉન ભાવે કામ કરવા તૈયારી દર્શાવતાં હવે ૧,૩૯,૯૦,૦૨૨ના ખર્ચે તેને કામ આપવા માટે મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.