એસ.એન.કે.સ્કૂલની છાત્રાને થતી કનડગતમાં કમિટીની તપાસ: મેનેજમેન્ટને ડી.ઇ.ઓ.નું તેડું
ધો.6 ની વિદ્યાર્થીનીને એસ.એન.કે.માં જ ભણતી ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓએ ગાળો બોલી,માર મારી,વાળ ખેંચી બે મહીનાંથી હેરાન કરતી હોવાનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો
રાજકોટની પ્રતિષ્ઠિત એસ.એન.કે. સ્કૂલમાં જુનિયર વિદ્યાર્થીનીઓને સિનિયર છાત્રાઓ દ્વારા કનડગત કરી મારામારી પર ઉતરી આવ્યાની અને બંનેના પરિવારજનો વચ્ચે પણ ડખો ઉભો થયાંની ઘટનાંને પગલે વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે આ બનાવને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારએ ઘટનાની ગંભીરતાને લઈને તાકીદે પગલાં લઈ સ્કૂલ મેનેજમેન્ટ અને પેરેન્ટ્સને સાંભળશે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે,આ મામલામાં કમિટી તપાસ કરશે, જેના માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આચાર્ય અને વર્ગ-૨ કક્ષાના અધિકારીનાં વડપણ હેઠળની ટીમ બનાવવામાં આવી છે, મંગળવારે સાંજે બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા અને કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી જેનો રિપોર્ટ ટૂંક સમયમાં જિલ્લા શિક્ષણ અધિકારી જાહેર કરશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીની એ જણાવ્યું હતું કે, અમે ધોરણ છ માં અભ્યાસ કરીએ છીએ જ્યારે પણ બસમાં બેસીએ છીએ ત્યારે ધોરણ 11 માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ દ્વારા મને અને મારી બંને બહેનપણીઓને ગાળો બોલે છે તો ઘણી વખત મારા મારી પર ઉતરી આવી છે. આ અંગે અમે સ્કૂલના સંચાલકોને અનેક વખત રજૂઆત કરી હતી તેમ છતાં સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પગલાં લેવામાં ન આવતા આખરે કંટાળીને અમે આ બાબતે પોલીસ સમક્ષ રજૂઆત લઈને આવ્યા છીએ. આ વિડીયો બાદ આ ઘટનામાં વિદ્યાર્થીને ન્યાય અપાવવા અને ભવિષ્યમાં આવો બનાવના બને તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંઘ અને એન.એસ.યુ.આઈ. એ સૂત્રોચાર અને કલેકટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.