દોઢ વર્ષથી પડધરીમાં રહેતી બાંગ્લાદેશી મહિલા, બે મહિનાથી આવેલા બે યુવક પકડાયા
મહિલા ઓળખતી હોવાથી તેના મારફતે અલગ-અલગ ટે્રનથી પડધરી સુધી પહોંચ્યા’તા: કિંગ પ્લાસ્ટિકમાં નોકરી કરતા હોવા છતાં કોઈનું ધ્યાન ન ગયું
કામધંધો કરવા માટે જ આવ્યાનું રટણ છતાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ ચાલું
આર્થિક રીતે પડી ભાંગેલા બાંગ્લાદેશમાં અત્યારે ભૂખમરો વ્યાપી ગયો હોવાને કારણે ત્યાંના યુવકો ગેરકાયદેસર રીતે ભારત સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં ઘૂસણખોરી કરવા લાગ્યા છે. બીજી બાજુ બેકાર થઈ ગયેલા યુવકો આતંકી સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને ખાનાખરાબીને અંજામ આપવાની ફિરાકમાં હોવાના ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હોવાને કારણે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને શોધી શોધીને પકડી રહી છે. આવા જ ત્રણ બાંગ્લાદેશી પડધરીના રંગપર ગામના પાટિયા પાસે ભાડાની ઓરડીમાં રહેતા હોવાનું ધ્યાન પર આવતાં એસઓજીએ દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ લોકોને પકડી પાડ્યા હતા.
એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતની ટીમે રંગપર ગામના પાટિયા પાસે મારૂતિ સોસાયટી બ્લોક નં.૩માંથી સોહિલહુસેન યાકુબઅલી (ઉ.વ.૩૦) અને રીપોનહુસેન અમીરુલઈસ્લામ (ઉ.વ.૨૮)ને પકડ્યા હતા. આ બન્ને પાસે ભારતીય નાગરિક્તાના કોઈ જ આધાર-પૂરાવા ન હોવા છતાં બે મહિનાથી મારૂતિ સોસાયટીમાં ભૂપત ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતા. ભૂપત દ્વારા પણ આ બન્ને આખરે કોણ છે તેની ખરાઈ કરવાની તસ્દી ન લેતાં તેની સામે પણ ગુનો નોંધવા તજવીજ ચાલી રહી છે.
આ બન્ને બે મહિના પહેલાં પડધરી આવ્યા હતા. એસઓજીએ હિના ખુરશીદ નામની બાંગ્લાદેશી મહિલાને પણ પકડી છે જે દોઢ વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતી હતી. સોહિલહુસેન અને રિપોનહુસેન હિના મારફતે જ પડધરી સુધી આવ્યા હતા. આ બન્ને કિંગ પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે ત્યારે ફેક્ટરી સંચાલક સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે.
કેવી રીતે પડધરી સુધી પહોંચ્યા
બાંગ્લાદેશથી આર્થિક હાલત પડીને પાધર થઈ ગઈ હોવાથી ત્યાં કશું નહીં વળે તેમ લાગતાં સોહિલહુસેન અને રિપોનહુસેને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે એક એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. આ પછી એજન્ટ દ્વારા બન્નેને ભારત-બાંગ્લાદેશની બોમ્બરા બોર્ડરથી જંગલમાં ઘૂસાડવામાં આવ્યા હતા અને ત્યાંથી કોલકત્તા પહોંચ્યા બાદ કોલકત્તાથી ટે્રન મારફતે અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવી પહોંચ્યા હતા. આ ત્રણેય સાચે જ નોકરી કરવાના ઈરાદે આવ્યા હતા કે કોઈ બીજી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તે અંગે બારીકાઈથી તપાસ ચાલી રહી છે. આ અંગે કેન્દ્રીય સુરક્ષા એજન્સીને પણ જાણ કરાઈ છે સાથે સાથે એટીએસે પણ ઝંપલાવ્યું છે.