પવન પડતા જ ઠંડીમાં રાહત, રાજકોટમાં 11.5 ડિગ્રી
નલિયામાં 8.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, રાજકોટમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો
છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં પવનની ગતિમાં વધારો થતા શીતલહેર જેવી સ્થિતમાં મહત્તમ તાપમાન પણ ઘટી ગયું હતું. જો કે, શનિવારે પવનની ગતિ મંદ પડતા ઠંડીની તીવ્રતા ઘટી છે, શનિવારે નલિયામાં 8.6 ડિગ્રી અને રાજકોટમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે, આજે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા રાજકોટમાં ઠંડીમાંથી રાહત મળી હતી.
રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નકારી છે જેથી ચાલુ અઠવાડિયામાં ઠંડીમાંથી રાહતના અણસાર છે. શનિવારે નલિયામાં 8.6 ડિગ્રી, ડીસામાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, ભુજમાં 12.4 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી, દ્વારકામાં 16.3 ડિગ્રી, વેરાવળમાં 18.6 ડિગ્રી, સુરતમાં 17.5 ડિગ્રી અને ઓખામાં 20.2 ડિગ્રી,લઘુતમ તાપમાન નોંધાયું હતું.