ઉજ્જૈન, ઓમકારેશ્વર અને ખજુરાહો સહિત ૧૭ શહેરોમાં દારૂબંધી
દારૂબંધી મામલે મધ્યપ્રદેશની ભાજપ સરકાર ગુજરાતના રસ્તે
મુખ્યમંત્રી મોહન યાદવે કેબિનેટનાં નિર્ણય અંગે આપી માહિતી
દારૂબંધીના મામલે મધ્યપ્રદેશની ભાજપ સરકાર હવે ગુજરાત અને બિહારના રસ્તે છે..મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યના ૧૭ મહત્વનાં સ્થળોએ દારુબાંધી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ ૧૭ શહેરોમાં ઉજ્જેન, ઓમકારેશ્વર અને ખજુરાહોનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી મોહન યાદવે દારૂબંધીની સંપૂર્ણ યોજના અંગે કહ્યું કે ધીમે ધીમે રાજ્યોએ દારૂબંધી તરફ આગળ વધવું જોઈએ, તેથી સરકારે પ્રથમ તબક્કામાં 17 ધાર્મિક શહેરોમાં દારૂની દુકાનો કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આગામી તબક્કાઓ માટેની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ સંકેત આપ્યો હતો કે આગામી થોડા વર્ષોમાં મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ પ્રતિબંધ હોઈ શકે છે.
આ પહેલા કેબિનેટની બેઠક પહેલા ડૉ.મોહન યાદવની કેબિનેટના સભ્યોએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની ગાદીની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નર્મદાના ઘાટ પર પહોંચીને પ્રાર્થના કરવામાં આવી હતી.
જે 17 શહેરોમાં દારૂ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે તેમાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, મૈહર, ખજુરાહો, મહેશ્વર, ઓરછા, સાંચી, નલખેડા, સલકનપુર, જબલપુર, મંદસૌર વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે.