મ્યુનિસિપલ કમિશનર પર હુમલાના કેસમાં ધારાસભ્ય ઉદય કાનગડ સહીત 22 કોર્પોરેટરનો નિર્દોષ છુટકારો
19 વર્ષ જૂના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને કોર્પોરેટરો રજૂઆત કરવા જતાં ઓફીસનો દરવાજો બંધ કરી આગળ લોખંડની જાળી ટેકવી દેતા બઘડાટી બોલી હતી : કોર્પોરેટરોએ ઓફિસમાં તોડફોડ, ફરજમાં રૂકાવટ કે ખુરશી લેપટોપ તોડેલ હોય તેવું સાબીત થતુ ન હોવાની દલીલ માન્ય રાખી શંકાનો લાભ આપી છોડી મુકાયા
રાજકોટ મનપા કચેરીમાં વર્ષ 2006માં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની ચેમ્બરમાં તે સમયના 22 કોર્પોરેટરે તોડફોડ બઘડાટી બોલાવી કમિશનર ઉપર હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી હતી. તે આરોપી સાથેના ગુનાનો કેસ કોર્ટમાં ચાલી જતા હુમલો કરી તોડફોડ કરનાર ધારાસભ્ય ઉદય કાનગડ કમેશભાઈ મીરાણી અને નીતીનભાઈ ભારદ્વાજ સહીતના તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છુટકારો થયો છે.
વિગત મુજબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ઉપર 24 કોર્પોરેટરો દ્વારા કમિશનરની ચેમ્બરમાં સીકયુરીટી ગાર્ડ તેમજ પોલીસ કર્મચારીઓની રૂબરૂમાં હુમલો કરી કચેરીમાં તોડફોડ કરવાની ઘટનાની પોલીસ ફરીયાદ ચીફ વીજીલન્સ અધીકારી રતન કાનજીભાઈ મહેશ્વરીએ નોંધાયેલ હતી.જેમા આરોપી તરીકે મેયર સહીતના પદાધીકારી સામે ફરીયાદ કરેલ અને પોલીસમાં કોર્પોરેટરો ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુકલ, ગંભીરસિંહ પરમાર, નરેન્દ્રભાઈ ડવ, નરેન્દ્રભાઈ સોલંકી, હરીભાઈ ડાંગર, લાલુભાઈ પારેખ, વલ્લભભાઈ દુધાત્રા, જયશ્રીબેન પરમાર, દેવરાજભાઈ મકવાણા, અતુલભાઈ પંડીત, નીતીનભાઈ ભારદ્વાજ, મનસુખભાઈ પટેલ, અમીતભાઈ ભોરણીયા, ભાવનાબેન વ્યાસ, જૈમનભાઈ ઉપાઘ્યાય, દમયંતીબેન રાઠોડ, જેરામભાઈ
વાડોલીયા,જેસંગભાઈ દેશાભાઈ ડાંગર (જે.ડી. ડાંગર) અનીલભાઈ રાઠોડ, કીરીટસિંહ ડોડીયા, અનીલભાઈ મકવાણા સહીતના 22 કોર્પોરેટરો તેમજ પદાધીકારીઓના નામ આપ્યા હતા.ફરિયાદમાં જણાવ્યું હતું કે,કમિશનરની ચેમ્બર બહારની લોખંડની ગ્રીલ બંધ કરેલ હોય તે આ તમામ કોર્પોરેટરોએ તોડી નાખેલ હતી અને ઓફીસના ફર્નીચર, ખુરશી, પાર્ટીશન,કમિશનરના નામનું બોર્ડ તોડી કમિશનરની ચેમ્બરમાં ધુસી ગયેલ અને કમિશનરઉપર હુમલો કરી ખુરશી તથા લાઠી ઉગામી મારવાની કોશિશ કરી હતી.
જે સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ સ્ટાફને પણ નાની મોટી ઈજા થઈ હતી. આ ઘટનામાં પબ્લીક પ્રોપર્ટીને કુલ સવા લાખનું નુકશાન થયું હતું.આ બનાવ બનવાનું કારણ એ હતું કે, કોર્પોરેશનની માલીકીના પ્લોટમાંથી દબાણ દુર કરવા અંગે તમામ કોર્પોરેટરો કમિશનરને રજુઆત કરવા જતા કમિશનરએ પોતાની ઓફીસનો દરવાજો બંધ કરી આગળ લોખંડની જાળી ટેકવી દીધી હતી. જેથી તમામ કોર્પોરેટરો નારાજ થઈ કોર્પોરેટરો અને કાર્યકરોએ કચેરીમાં તોડફોડ કરી તોફાન કર્યું હતુ.કોર્ટમાં બનાવનું ચાર્જશીટ રજુ થયાં પછી કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદી મહેશ્વરી, પી.એસ.આઈ. બરોલીયા, ડે.કમિશનર પી.પી.વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, તપાસ કરનાર સીનીયર પી.એસ.આઈ. એસ.સી.દવે સહીતના કુલ.17 જેટલા સાહેદોને કોર્ટ રૂબરૂ તપાસેલ હતા. કેસ દરમ્યાન ત્રણ કોર્પોરેટર (1) લાભુભાઈ પારેખ (2) મનસુખભાઈ પટેલ (3) અમીતભાઈ ભોરણીયા અવસાન પામતા તેઓની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો.
જેથી કોર્ટે તમામ પુરાવાને ઘ્યાને લઈ, તેમજ બંને પક્ષોની દલીલો ઘ્યાને લઈ તારણ કાઢેલ હતુ કે, પડેલ પુરાવાને નજર સમક્ષ રાખી ટોળાએ તોડફોડ કરેલ હોય, જાળી તોડી, ખુરશી તોડી, લેપટોપ ફેકયુ હોય, કોઈને ઈજા પહોંચાડેલ હોય તેવું આરોપીઓ દ્વારા કૃત્ય કરી મ્યુનિસિપલ કમિશનરની ફરજ બજાવતા અડચણ અટકાયત કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરેલ હોય તેવું પુરવાર થતુ નથી.જેથી આ કામના તમામ આરોપીઓને આઈ. પી.સી. કલમ 143, 147, 148, 186, 332, 453 તથા પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ 3 અસને 7 ના ગુન્હામાં સી.આર.પી.સી.કલમ 248(1) અન્વયે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં તત્કાલિન કોર્પોરેટર અને હાલના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ વતી સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ, અન્ય આરોપી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત વિગેરે રોકાયેલ હતા.