50ના બદલે 100 રૂપીયાની નોટ આપી છે તે મુદે ઝગડો થયા બાદ ચાર શખસો પેટ્રોલના બોમ્બ બનાવીને આવ્યા અને સળગાવી દુકાન પર ફેકયા : રીઢા ગુનેગારો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે
રાત્રિના મોડે સુધી ધમધમતી ચાની કેબીનો સામે પોલીસે કાર્યવાહી ન કરતાં મોટી ઘટના બની
મકરસંક્રાંતિની રાત્રિના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ પર ખાતે રૂ.100ના મુદ્દે ચાર શખસોએ પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.અને ઘટનાની 24 કલાલ બાદ પણ પોલીસ આંતક મચાવનાર આરોપીઓને પકડી પડવામાં નિષ્ફળ રહી છે.ઉપરાંત બોમ્બ ફેકનાર બે આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ,150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉં.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી.ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ કરી હતી.સાહિલે રૂ.50 આપ્યાનું કહ્યું હતું,જ્યારે જયદીપે રૂ.100ની નોટ આપ્યાનું રટણ રહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ રૂ.100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ કરી હતી. પરંતુ લોકો એકઠા થતાં તે ભાગી ગયો હતો.
બાદમાં રાત્રિના જયદીપ રામાવત તેના મિત્ર ચિરાગ બાવાજી અને અન્ય બે અજાણ્યા શખસો સાથે પેટ્રોલ બોમ્બ બનાવીને ઘસી આવ્યો હતો.અને બોટલોમાં આગ ચાંપી દુકાન પર ફેકી હતી.જેથી હોટલ સંચાલકોએ આરોપીઓને પકડવા દોટ મૂકી તો ચાર શખસો ભાગી ગયા હતા.આ ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસના પીઆઈ એચ.એન.પટેલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ધા કરાયા હતા તે સ્થળેથી વધુ બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા.આરોપીઓ ચાર બોમ્બ નાખવાનું જ કાવતરું ઘડ્યું હોવાનું માલૂમ પડ્યું હતું.પરંતુ માત્ર 100 રૂપિયા માટે પેટ્રોલ બોમ્બ બનાવી ઘા કરનાર શખસોને પકડવામાં પોલીસ 24 કલાક બાદ પણ નિષ્ફળ રહી હતી