ક્રુડની કિંમતમાં આવેલા ઉછાળા, ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિને લઈને પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને ફંડોની સતત વેચવાલીને લીધે સોમવારે કારોબારી સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારે ગોથુ ખાધુ હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી તૂટ્યા હતા. આજે ઇન્ટ્રા ડે મંદી રહ્યા બાદ સેન્સેક્સ ૧૦૪૮ પોઈન્ટ તૂટીને ૭૬૩૩૦ ઉપર અને નિફ્ટી ૩૪૫ પોઈન્ટ તૂટીને ૨૩૦૮૫ ઉપર બંધ થયો હતો.
છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં ભારે વેચવાલી હતી. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. સોમવારે પણ રોકાણકારોના લાખ્ખો કરોડો ડૂબી ગયા હતા.
સોમવારે રિયાલ્ટી શેર્સ ટોપ લૂઝર્સ રહ્યા હતા. ઈન્ડેક્સમાં સામેલ તમામ સ્ક્રિપ્સ 10 ટકા સુધી તૂટી હતી. આ સાથે બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 6.59 ટકા તૂટ્યો હતો. રિયાલ્ટી શેર્સમાં ગાબડું નોંધાવા પાછળનું કારણ લોનના ઊંચા દરો યથાવત રહેવાની શક્યતાઓ છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં મોંઘવારીમાં વધારો અને તેના કારણે વ્યાજના દરો યથાવત રહેવાની સંભાવના વધી છે. આ સિવાય પાવર ઈન્ડેક્સ 4.23 ટકા, ઓઈલ એન્ડ ગેસ 3.24 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.196 ટકા, કેપિટલ ગુડ્સ 3.58 ટકા, મેટલ 3.17 ટકા તૂટ્યો હતો.