રાજકોટમાંથી ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કરનાર સાયલીના માતા-પિતાનું સપનુ, દિકરીના હાથમાં વર્લ્ડ કપ ; જુઓ વિડીયો
કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર ફાસ્ટ બોલર રેણુકા સિંહ વિના પણ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી. રાજકોટમાં રમાયેલી ODI શ્રેણીની પહેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ બોલ અને બેટ સાથે યુવા ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે 7 વિકેટથી સરળ જીત મેળવી. આ મેચમાં, ભારત માટે એક ઓલરાઉન્ડર ખેલાડીએ ડેબ્યૂ કર્યું, જેનું નામ સાયલી સતઘરે છે. શુક્રવારે, ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેણીને ડેબ્યૂ કેપ રજૂ કરી. આ સમય દરમિયાન, યુવા ખેલાડીના માતા-પિતા પણ હાજર હતા. સાયલીએ આજે પોતાના ડેબ્યૂ મેચમાં અસરકારક બોલિંગ કરીને એક વિકેટ ઝડપી હતી.
સાયલીની માતાએ કહ્યું- વર્ષોથી રાહ જોતા હતા, તે આજે પુરું થયું
સાયલીના માતા સ્વાતિ સતઘરેએ જણાવ્યું હતું કે, આજે અમે ખુબ ખુશ છીએ. સાયલી છેલ્લા 14-15 વર્ષથી ક્રિકેટ રમી રહી છે. આજે એ દિવસ આવ્યો છે જે દિવસનો અમે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એનું પહેલેથી સપનું હતું કે ભારત માટે રમવું છે. વર્ષ 2011નો વર્લ્ડકપ ભારત જીત્યું એ સમયે તેને નક્કી કર્યું હતું કે મારે પણ ભારત ટીમ માટે રમવું છે. અત્યારસુધીની તેની જર્ની ખુબ જ કઠિન રહી છે. ખુબ જ ડિસિપ્લિન સાથે તે કામ કરી રહી છે. તેણે કોઈ દિવસ પ્રેક્ટિસ છોડી નથી. તેનું જમવાનું, જિમ, પ્રેક્ટિસ બધા જ શિડ્યુલ નક્કી હોય છે અને એ કોઈ દિવસ છોડતી નથી.
ભારત માટે વર્લ્ડ કપ લાવવો, તેનો મુખ્ય ગોલ
સાયલીની માતા સ્વાતિ સરઘરેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સાયલીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને ક્રિકેટ જ એનો મુખ્ય ગોલ છે. તેના ગોલ થી એ એક સ્ટેપ દૂર છે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડકપ જીતીને લાવવાનો મુખ્ય ગોલ છે. અમારી પણ એવી જ આશા છે અને સ્વપ્ન છે કે તે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપમાં જીત અપાવી અને તેના હાથમાં વર્લ્ડકપ હોય તે અમે જોવા માગીએ છીએ. ડોમેસ્ટિક ક્રિકેટમાં ખુબ સારું પર્ફોમન્સ રહ્યું છે. મુંબઈ ટીમની તે કેપટન પણ રહી ચુકી છે. ડોમેસ્ટિક મેચમાં ગુજરાત સામે 19 રન આપી 5 વિકેટ અને નાગાલેન્ડ સામે 17 રન આપી 7 વિકેટ ઝડપી છે. નાગાલેન્ડ સામેની તમામ 7 વિકેટ તેને બોલ્ડ અને LBW સાથે મેળવી હતી.
પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી…
આજે પહેલીવાર જયારે આ સ્ટેડિયમ પર મહિલા ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે પ્રેક્ષકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે અને મેચ શરૂ થતા સમય સુધીમાં અલગ અલગ શાળા-કોલજનાં 5000 જેટલા યુવક-યુવતીઓ અને ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવી પહોંચ્યા હતા.
૩ મેચની શ્રેણીની આ પહેલી મેચ શુક્રવાર, ૧૦ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર રમાઈ હતી. આ શ્રેણી માટે કેપ્ટન હરમનપ્રીતને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે ટીમના મુખ્ય ઝડપી બોલર રેણુકા સિંહને પણ વર્કલોડ મેનેજમેન્ટને કારણે બ્રેક આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, સ્મૃતિ મંધાનાએ જવાબદારી સંભાળી અને ઘણા યુવા ખેલાડીઓનું નેતૃત્વ કર્યું અને શ્રેણીની મજબૂત શરૂઆત કરી. સ્મૃતિની નવી ઓપનિંગ પાર્ટનર પ્રતિકાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી, જે સદી ચૂકી ગઈ હતી પરંતુ શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને વિજય તરફ દોરી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે પોતાની પહેલી ચાર વિકેટ માત્ર 56 રનમાં ગુમાવી દીધી હતી. યુવા ઝડપી બોલર તિતસ સાધુ અને સ્પિનર પ્રિયાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રિયા તો હેટ્રિક પણ ચૂકી ગઈ. આવી સ્થિતિમાં, આઇરિશ કેપ્ટન ગેબી લુઇસ પર એક મોટી જવાબદારી આવી પડી અને તેણે પોતાની ટીમને નિરાશ ન કરી. લુઇસ અને લિયા પોલે ૧૧૭ રનની ભાગીદારી નોંધાવી.
આ સમયગાળા દરમિયાન બંનેએ પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી. જોકે, ભારતીય ટીમના ફિલ્ડરોએ પણ આમાં ફાળો આપ્યો કારણ કે તેમણે ત્રણ સરળ કેચ છોડ્યા. જોકે, લુઇસ પોતાની સદી પૂર્ણ કરી શકી નહીં અને દીપ્તિ શર્માનો શિકાર બન્યો. અંતે, આર્લીન કેલીએ પણ ઝડપી 28 રન બનાવીને ટીમનો સ્કોર 238 રન સુધી પહોંચાડ્યો. તે જ સમયે, નવોદિત ઝડપી બોલર સયાલી સતઘરેએ પણ અસરકારક બોલિંગ કરી અને 1 વિકેટ લીધી.