તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં સારવાર અર્થે ખસેડાયો
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે. જે બાદ રાજનને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોટા રાજનને સાઇનસની સમસ્યા છે. છોટા રાજનને એઈમ્સ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશનની જરૂર પડી શકે છે. જે વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યા છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તિહાડના અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટા રાજનને નાકનું ઓપરેશન કરાવવાની જરૂર છે, તેથી તેને એઈમ્સ લાવવામાં આવ્યો છે.
છોટા રાજનને આજીવન કેદની સજા
મુંબઈની એક ખાસ કોર્ટે થોડા મહિના પહેલા ગેંગસ્ટર છોટા રાજનને 2001માં હોટેલ માલિક જય શેટ્ટીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસોના ખાસ ન્યાયાધીશ એ.એમ. પાટીલે રાજનને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ હત્યા માટે દોષિત ઠેરવ્યો. જય શેટ્ટી મધ્ય મુંબઈના ગામદેવીમાં ગોલ્ડન ક્રાઉન હોટેલના માલિક હતા.
કયા કેસમાં સજા સંભળાવવામાં આવી હતી
છોટા રાજન ગેંગ તરફથી ખંડણીની ધમકીઓનો સામનો કરી રહેલા જય શેટ્ટીની ૪ મે, ૨૦૦૧ના રોજ હોટલના પહેલા માળે ગેંગના બે કથિત સભ્યોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હોટલ મેનેજરની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસમાં જાણવા મળ્યું કે શેટ્ટીને છોટા રાજન ગેંગના સભ્ય હેમંત પૂજારી તરફથી ખંડણીનો ફોન આવ્યો હતો અને જ્યારે તે પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેની હત્યા કરવામાં આવી.
રાજન સામે ખંડણી સહિતના અનેક કેસ નોંધાયા
રાજન વિરુદ્ધ ખંડણી અને સંબંધિત ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાથી, હોટેલ માલિકની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળના આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ અલગ ટ્રાયલમાં હત્યા કેસમાં ત્રણ અન્ય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011ના પત્રકાર જે ડે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.