રશિયાનો યુક્રેન પર મોટો હુમલો : 13ના મોત, અનેક ઘાયલ ; લડાઈ વધુ ઉગ્ર બની
રશિયા દ્વારા દક્ષિણ યુક્રેનના શહેર ઝાપોરેજ્જિયામાં એક મોટો મિસાઇલ હુમલો થયો હતો. યુક્રેની અધિકારીઓ અનુસાર, મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો મોતને ભેટ્યા છે અને લગભગ 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સકીના ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી ફૂટેજમાં કાટમાળમાં ફસાયેલા લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા હતાં. ઝાપોરિજ્જિયામાં જ યુક્રેનનો ન્યુક્લિયર પ્લાન્ટ છે.
ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, ઇમરજન્સી સર્વિસ દ્વારા તેને ફર્સ્ટ એઇડ આપી રહ્યા છે અને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધ દરમિયાન રશિયાએ અનેકવાર નાગરિક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ તે યુરોપનું સૌથી મોટું યુદ્ધ છે, જેમાં હજારો લોકોના મોત થયા છે.
ઝેલેન્સ્કી અને ક્ષેત્રીય ગવર્નર ઇવાન ફેડોરોવે કહ્યું કે, હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકોના મોત થયા છે. હુમલાની થોડી મિનિટ પહેલાં, ફેડોરોવે ઝાપોરિજ્જિયા વિસ્તારમાં તેજ ગતિવાળી મિસાઇલ અને ગ્લાઇડ બોમ્બના જોખમની ચેતવણી આપવામાં આવી હતી.
ઘણાં મોટા દેશોએ લગભગ 3 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધને રાજદ્વારી રીતે ખતમ કરવાની વાત કહી છે. શાંતિ વાર્તા પર એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું, ‘પ્રામાણિકતાથી કહુ તો, મારૂ માનવું છે કે અમારો એવા દેશો પાસેથી ગંભીર સુરક્ષા ગેરંટીની માંગ કરવાનો અધિકાર છે, જે વિશ્વમાં શાંતિ ઈચ્છે છે.’