કેનેડાના વડાપ્રધાન પદેથી ટ્રુડોનું રાજીનામું
અંતે જેનો અંદાજ હતો તેવું થયું છે અને પોતાના પરાક્રમોનું પરિણામ ભોગવવા સાથે જસ્ટીન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. સાથે લીબરલ પાર્ટીના નેતા પદેથી પણ રાજીનામું આપ્યું હતું. લીબરલ પાર્ટીમાં આંતરીક અસંતોષ વધી ગયો હતો અને એમના પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું. તેઓ ૨૦૧૫થી વડાપ્રધાન પદે હતાં. ટ્રુડોને ભારત વિરોધી વલણ મોંઘુ પડી ગયું છે.
જો કે નવા નેતાની ચૂંટણી થાય ત્યાં સુધી તેઓ પદ પર બનેલા રહેશે. લીબરલ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી નેતૃત્વના મુદ્દા પર નિર્ણય કરશે અને ચાલુ સપ્તાહમાં જ બેઠક થવાની છે.
નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠક પહેલાં ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દીધું હતું.
ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડો હવે દેશમાં જ ઘેરાઇ ગયા હતાં. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ ત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડએ ૧૬ ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે.
એક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રુડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સ્ત્રોતે જણાવ્યું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે નેશનલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી એવું ન લાગે કે તેમને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.