કાશ્મીરના શ્રીનગરમાં કેવી બની ઘટના ? કેટલા લોકોના મોત થયા ? જુઓ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ થઈ ગયા હતા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. કાશ્મીરમાં દિવસે પણ હાલત ખરાબ રહે છે.
સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા થઈ હતી. તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના ત્રણ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા. પોલીસ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના શ્રીનગરના પંડરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બની હતી. ઘટના રવિવારે સવારે પ્રકાશમાં આવી હતી. મૃતક ભાડાના મકાનમાં રહેતો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મૃતકોની ઓળખ 38 વર્ષીય એજાઝ અહેમદ ભટ, તેની 32 વર્ષીય પત્ની સલીમા અને તેમના ત્રણ બાળકો 3 વર્ષીય અરીબ, 18 મહિનાના હમઝા અને એક મહિનાનું બાળક તરીકે થઈ છે. એમના પરિવારજનોને જાણ કરીને અંતિમ વિધિની તૈયારી કરાઇ હતી.