રાજકોટમાં વિમેન્સ ક્રિકેટફિવર : આજે બન્ને ટીમનું આગમન: શુક્રવારથી મુકાબલો, ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે શ્રેણી
રાજકોટમાં વિમેન્સ ક્રિકેટફિવર: ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે શ્રેણી
કાલે નિરંજન શાહ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરશે ખેલાડીઓ: ૧૦થી ૧૫ જાન્યુ. વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ
સવારે ૧૧ વાગ્યાથી મેચ શરૂ થશે, ક્રિકેટરસિકોને વિનામૂલ્યે એન્ટ્રી: બન્ને ટીમનો ઉતારો સયાજી હોટેલમાં
પાછલી પાંચ વન-ડેથી આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા અજેય'
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે જાન્યુઆરી મહિનો
ક્રિકેટયુક્ત’ બની રહેવાનો છે. ૧૦થી ૧૫ જાન્યુઆરી વચ્ચે ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ ૨૮ જાન્યુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ પુરુષ ટીમ વચ્ચે ટી-૨૦ મેચ રમાવાની છે. બીજી બાજુ વન-ડે શ્રેણી રમવા માટે ભારત અને આયર્લેન્ડ એમ બન્ને ટીમ આજે રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આયર્લેન્ડ ટીમ અબુધાબીથી અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવશે જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ અલગ-અલગ ફ્લાઈટ મારફતે રાજકોટ આવી પહોંચશે. બન્ને ટીમનો ઉતારો હોટેલ સયાજીમાં આપવામાં આવ્યો છે. આજે રાજકોટ આવી પહોંચ્યા બાદ આવતીકાલે બન્ને ટીમ નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ કરવા જશે.
ભારત-આયર્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મુકાબલો ૧૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યાથી રમાશે. આમ રાજકોટમાં પહેલી વખત મહિલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોય તેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ શ્રેણીમાં દર્શકોને વિનામૂલ્યે એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચની પ્રથમ ઈનિંગ સવારે ૧૧થી બપોરે ૨:૧૦ સુધી ચાલશે. ત્યારબાદ ૨:૧૦થી ૨:૪૦ સુધી બ્રેક રહ્યા બાદ ૨:૪૦થી બીજો દાવ શરૂ થશે.
ભારતીય મહિલા ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં રમી રહી છે અને તેમાં પણ ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ સહિતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હોય તેમની રમત જોવા માટે રાજકોટ આતૂર છે. વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં ભારતે દમદાર પ્રદર્શન કરી ત્રણેય મેચ પોતાના નામે કરી લીધા બાદ હવે આયર્લેન્ડ સામે પણ વિન્ડિઝવાળી કરવાના ઈરાદાથી જ મેદાને ઉતરશે. બીજી બાજુ આયર્લેન્ડ સામે ભારતીય ટીમ પાંચ વન-ડે મેચ રમી છે જે પાંચેયમાં ભારતનો વિજય થયો હોય આ શ્રેણીમાં પણ ભારતનું પલડું ભારે રહેવાની શક્યતા છે.