પટેલ બંધુને 35 લાખ વ્યાજે આપી તેઓની પડધરીમાં આવેલી 10 કરોડની જમીન વેચી મારી
રાજકોટની ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ઠગ અલ્પેશ દોંગા વિરુદ્ધ વધુ એક ફરિયાદ
રૂ.35 લાખ વ્યાજે આપી વ્યાજ વસૂલી લીધા બાદ તેઓની જાણ બહાર વેચાણ દસ્તાવેજ બનાવી લીધો : ખોટી સહી કરી 4 કરોડ આપવાના છે તેવું લખાણ તૈયાર કરી પૈસાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકીઓ આપી
રાજકોટમાં નાના મવા પર ઈન્વેસ્ટમેન્ટ કંપની ચાલવી ઘણા લોકો સાથે છેતરપિંડી કરનાર ઠગ અલ્પેશ દોંગા વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક બાલાજી શેરી નંબર-૫માં રહેતા પટેલ બંધુઓએ તેઓની પડધરી ખાતે આવેલી રૂ.10 કરોડની જમીન ગીરવે મૂકીને અલ્પેશ દોંગા પાસેથી રૂ.35 લાખ વ્યાજ પર 1.5 ટકે લીધા હતા.બાદમાં ઠગે પોતે ત્રણ ટકા વ્યાજની ઉઘરાણી કરી હતી અને પટેલ બંધુઓની જાણ બહાર જ તેઓની જમીન વેચી મારી હતી.ઉપરાંત બનાવટી સહી કરી કરી બંને ભાઈઓને રૂ.4 કરોડ આપવાના છે તેવું ખોટું લખાણ તૈયાર કરી લીધું હતું અને પૈસાની ઉઘરાણી કરવા ધમકીઓ આપી હતી.જેથી આ મામલે પડધરી પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક બાલાજી શેરી નંબર-૫માં રહેતા વિશાલભાઇ બાબુભાઇ ગઢીયા (ઉ.વ.46)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં અલ્પેશભાઇ ગોપાલભાઇ દોગા (રહે.201 સગુન એલીગંન્સ સત્યમ પાર્ટી લોન્સ પાછળ નાના મવા રોડ),વત્સલકુમાર રસીકભાઇ સખીયા (રહે.ચરઘડી તા.ગોડલ) અને રસીકભાઇ સખીયા (રહે.ચરઘડી)નું નામ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તે અને તેમના ભાઈ રાજેશભાઈએ બે ફ્લેટ લોન કરીને લીધા હતા.જેના મહિને 60 હજાર સુધીના હપ્તા આવતા હતા.ફ્લેટ લીધાના થોડા સમયમાં જ હોસ્પિટલનો વધુ પડતો ખર્ચ આવ્યો હતો.જેથી હપ્તાઓ ચડી ગયા હતા.જેથી બંને ભાઈઓએ નાના મવા પર આવેલી અલ્પેશ દોંગાની ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી રૂ.35 લાખ વ્યાજે લીધા હતા.
તેની સામે તેઓની પડધરીના સાલપીપળીયા ગામે આવેલી ચાર કરોડની જમીનનો ગીરો દસ્તાવેજ કરી આપવાનું નક્કી કર્યું હતું.જેથી અલ્પેશ દોંગા અને અન્ય આરોપીએ ફરિયાદી અને તેમના માતા કે જેમના નામે જમીન છે તેઓને તા.26-10-2023ના દસટવેજ કરવા બોલાવ્યા હતા.જ્યાં ફરિયાદીની જાણ બહાર પાકો વેચાણ દસ્તાવેજ વત્સલકુમાર રસીકભાઇ સખીયાના નામે કરી નાખ્યો હતો.બાદમાં અલ્પેશ દોંગાએ ૧.૨૫ ટકાના બદલે ત્રણ ટકા ઉંચા વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી હતી.જોકે બંને ભાઈઓએ એ પણ ચૂકતે કરી દીધા હતા.તેમજ ફરિયાદી પાસેથી રૂપીયા ચાર કરોડ તેમજ તેનુ વ્યાજ તેમજ પાત્રીસ લાખ દસ હજાર અપવાના છે તેવા લખાણ પણ અલ્પેશ દોંગાએ બંને ભાઈઓની ખોટી સહીઓ કરી નાખી હતી.અને આ પૈસાની ઉઘરાણી કરવા માટે અને દસ્તાવેજ પરત જોતો હોય તો પૈસા આપવા પડશે તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.અંતે કંટાળીને પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.એન.પરમારે ગુનો નોંધી અલ્પેશ દોંગા સહીત ત્રણની શોધખોળ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ પણ અનેક છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.ત્યારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.