અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ : ૬ કરોડ લોકો ઉપર જોખમ
અડધુ યુ.એસ.બરફની ચાદરમાં ઢંકાઈ જશે : ઠેકઠેકાણે વીજળી ગુલ, બરફ જામ્યો : લોકોને કાતિલ ઠંડીનો અનુભવ
અમેરિકામાં આફત ડોકિયા કરી રહી છે. અહી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાતિલ ઠંડી પાડવા લાગી છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભાગમાં ગમે ત્યારે વિન્ટર સ્ટોર્મ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે, સોમવાર સુધીમાં અમેરિકાના પૂર્વ ભાગને આર્કટિક પવનો ફૂંકાશે અને તેને લીધે બરફનું તોફાન, બરફ વર્ષા, ગાત્રો થીજી જાય તેવી ઠંડી અને અન્ય ગંભીર સમસ્યાઓ ઉભી થશે. અંદાજે ૬ કરોડ લોકો પ્રભાવિત થશે તેમ પણ જણાવાયું છે.અત્યારે અમેરિકામાં પાવર આઉટેજ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે.
અહી કાતિલ ઠંડી વચ્ચે ભારે બરફવર્ષા ની આગાહી કરવામાં આવી છે. ચારથી પાંચ ઈંચ સુધી બરફની ચાદરમાં મોટાભાગનું અમેરિકા ઢંકાઈ જશે એની આગાહી કરવામાં આવી છે. આ વખતે તો રાજધાની વોશિંગ્ટન અને ન્યુયોર્કમાં પણ બરફ વર્ષા થશે તેમ જણાવાયું છે.
પશ્ચિમી કંસાસથઇ લઈને મેરીલેન્ડ, ડેલાવેયર અને વર્જીનીયા સુધીનો અંદાજીત ૨૪૦૦ કિલોમીટરનો વિસ્તાર બરફના તોફાનથી પ્રભાવિત થઇ શકે છે. કંસાસનાં ઉત્તર-મધ્ય મિસોરી સુધીના ક્ષેત્ર્મા એક દાયકાની સૌથી વધુ હિમવર્ષા થઈશકે છે. ગ્રેટ લેક્સમાં ચાર ફૂટ સુધી બરફ પડી શકે છે. કંસાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બરફ જામી જવાથી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. રસ્તા ઉપર વાહનોની અવરજવર પણ બંધ થઇ ગઈ હતી
આમ તો શનિવારથી જ સેન્ટ્રલ અમેરિકામાં વિન્ટર સ્ટોર્મની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં અડધાથી વધુ અમેરિકા પર આની અસર થશે.
હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, સોમવારથી અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ તેજી પકડશે. જેની અસર સેન્ટ્રલ પ્લેન્સથી મિડલ એટલાન્ટિક સુધી રહેશે. અહીં હિમ વર્ષાનું જોખમ પણ જોવા મળશે.
રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્ક અને પેન્સેલ્વેનિયામાં અત્યારે હેવી લેક ઈફેક્ટ સ્નોની અસર જોવા મળી રહી છે. વોશિંગ્ટનમાં બરફની ચાદર ઢંકાઈ જશે. જે પાંચ ઈંચથી 10 ઈંચ આસપાસ હોઈ શકે છે.
આ વિન્ટર સ્ટોર્મના લીધે અમેરિકામાં ઠેર ઠેર ઝાડ પડી ગયા છે એટલું જ નહીં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે જેની અસર સ્થાનિકોને પડી રહી છે. સોમવાર પછી પણ સ્થિતિ વધુ ગંભીર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
મિસોરી અને વર્જિનિયાનાં ગવર્નરે સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા થકી સ્થાનિકોને ચેતવ્યા છે. આ વિકેન્ડ અને સોમવાર પછી પણ અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ આવશે એ અંગે પણ ચેતવી દીધા છે.