રાજકોટના પૂર્વ ડી.એસ.પી. અને વરિષ્ઠ IPS અધિકારી વી.એમ.પારગીનું નિધન
રાજ્યના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ અવસાન થતા ગુજરાતના IPS બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે, વી.એમ.પારગી 1988ની બેચના IPS અધિકારી હતા. છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તેમની તબિયત નાજુક હતી. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) તરીકે ફરજ બજાવ્યા બાદ 2019માં નિવૃત્ત થયા હતા. તેઓ રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

સ્વ. વી એમ પારગીના નિધન અંગે ગુજરાતના ડીજીપીએ સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા કહ્યું કે, વી એમ પારગીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેઓ હિંમત અને પ્રતિબદ્ધતાા સર્વોચ્ચ ઉદાહરણ હતા. વ્યવસાયી રીતે મક્કમ અને સામાજિક રીતે વિશ્વાસપાત્ર એવા વી.એમ.પારગીની ખોટ તેમના સંપર્કમાં આવેલા સૌ કોઈને સાલશે. ઓમ શાંતિ.
વી.એમ. પારગીએ મહીસાગર જિલ્લાના સંતરામપુરના ખેડપા ગામના વતની હતા. વી.એમ. પારગી આદિવાસી સમાજનું ગૌરવ ગણાતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સુરત શહેરમાં સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) સહિત વિવિધ મહત્ત્વના પદ પર ફરજ બજાવી હતી. તેઓ નિવૃતિ બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજસેવા કરી રહ્યા હતા. પોલીસ બેડામાં પૂર્વ IPS અધિકારી વી.એમ. પારગીની ગણતરી નોન કરપ્ટેડ અધિકારીઓમાં થતી હતી.