મોહમ્મદ કૈફે યમુનામાં ડૂબકી મારીતે ખૂબ ખોટું થયું: યતિ નરસિંહાનંદ
આરએસએસ ના વડા ને પણ ઝાટક્યાં
જુના અખાડાના મહામંડલેશ્વર અને પ્રાચીન મંદિરના મહંત યતિ નરસિંહાનંદે ક્રિકેટર મહમદ કૈફ દ્વારા યમુના નદીમાં ડૂબકી લગાવવાના કૃત્યની ટીકા કરી હતી. ભડકામણા નિવેદનો દેવા માટે પ્રખ્યાત થઈ ગયેલા આ મહંતે આરએસએસ ના વડા મોહન ભાગવત માટે પણ બેફામ નિવેદનો કર્યા હતા. એકે ન્યુઝ પોર્ટલે પ્રસિદ્ધ કરેલા આ અહેવાલ બાદ નવો વિવાદ શરૂ થયો છે.
દેશમાં હવે ગંગા અને યમુના જેવી નદીઓમાં કોણ સ્નાન કરી શકે અને કોણ ન કરી શકે એ મુદ્દે પણ વિવાદના વાવણાં થયા છે. મહાકુંભના પ્રારંભ પહેલા ગત અઠવાડિયે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મહમદ કૈફે પ્રયાગરાજ માં સંગમ ખાતે યમુનામાં ડૂબકી લગાવી હતી અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેના અનુસંધાને યતિ નરસિંહ આનંદે કહ્યું કે મહમદ કૈફે યમુનામાં ડૂબકી લગાવી તે ખૂબ ખોટું થયું છે. તેમણે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની માગણી કરી હતી. તેમણે કહ્યું કે આ હિન્દુઓનો પ્રસંગ છે તેમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનો જૂના અખાડાએ નિર્ણય કર્યો છે. તેમણે થુંક જીહાદની યાદ પણ અપાવી હતી. આટલેથી ન અટકતા તેમણે કાબાના સ્થળે પણ મંદિર હોવાનો દાવો કરી જ્યાં પણ હોય ત્યાંથી હિન્દુઓના મંદિર શોધી તેને પરત લાવવાનો અનુરોધ કર્યો હતો. વકફ માગવા વાળાને પાકિસ્તાન ચાલ્યા જવાની તેમણે સલાહ આપી હતી.
મોહન ભાગવત ભગવાન નથી
આરએસએસ ના વડા મોહન ભાગવતે દરરોજ ઊભા કરાતા મંદિરો અંગેના વિવાદની ટીકા કરી કેટલાક લોકો મંદિરોના નામે હિન્દુઓના નેતા બની જવાના સ્વપ્ન જોતા હોવાની ટિપ્પણી કરી હતી. તેનો ઉગ્ર પ્રતિભાવ આપતા નરસિંહાનંદે કહ્યું કે મોહન ભાગવત કોઈ ભગવાન નથી. હિન્દુઓના મંદિરોની શોધખોળ કરવી જોઈએ અને તે હિન્દુઓને પરત મળવા જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.