ગોવિંદનગરમાં સરકારી જમીન ઉપર ગેરેજ ! અઢી કરોડની જમીન ખુલ્લી
યુએલસી ફાજલ જમીન ઉપર છ મહિનાથી ગેરેજ શરૂ થઇ જતા નોટિસ ફટકારતા જ સ્વેચ્છાએ દબાણ દૂર
રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ ઉપર ગોવિંદનગર નજીક યુએલસી ફાજલ થયેલી સરકારી જમીન ઉપર ગેરેજ ધમધમી ઉઠતા જિલ્લા કલેકટરની સૂચના બાદ રાજકોટ સીટી પૂર્વ મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા ગેરેજ સંચાલકે સ્વેચ્છાએ દબાણ દૂર કરતા અઢી કરોડની સરકારી જમીન ખુલ્લી થઇ હતી.
રાજકોટ શહેરમાં યુએલસી ફાજલ થયેલી જમીન ઉપરથી દબાણ હટાવવા જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાહેબ અને પ્રાંત અઘિકારી ચાંદની ૫રમાર દ્વારા આદેશ કરવામાં આવતા રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એસ.જે.ચાવડા દ્વારા કોઠારીયા રોડ પાસે આવેલ ગોવિંદનગર મેઇન રોડ ઉ૫ર આવેલ સરકારી યુએલસી ફાજલ ૪૦૦ વારના પ્લોટમાં શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ સોજીત્રા દ્વારા છેલ્લા છ માસથી ચામુંડા મોટર ગેરેજ નામે કોમર્શિયલ દબાણ કરેલ હોવાનું સામે આવતા નોટિસ ફટકરાવામાં આવી હતી. બીજી તરફ અંદાજે ૨.૫ કરોડની જમીન ઉપર દબાણ અંગેની નોટિસ ફટકારતા જ બન્ને દબાણકારોએ જમીન ઉપરનો કબ્જો સ્વેચ્છાએ ખાલી કરી આપતા સીટી મામલતદાર તંત્રએ કબ્જો સંભાળી લઈ જમીન દબાણ મુક્ત કરાવી હતી.