યુનિવર્સિટી રોડ પર પરના તબીબે 60 લાખનો ફ્લેટ યુવકને વેચીને પચાવી પાડ્યો
ફ્લેટ વેચી દસ્તાવેજ કરી આપી પોતે છ માસમાં ખાલી કરી આપવાનો વાયદો કર્યા બાદ એક વર્ષ સુધી કબજો જ ન સોંપ્યો : ગાંધીગ્રામ પોલીસે તબીબ અને તેના પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર જલારામ-3માં રહેતા તબીબ અને તેમના પત્નીએ પટેલ યુવક પાસેથી ફ્લેટના 60 લાખ રૂપિયા લઈ દસ્તાવેજ તેના નામે કરી આપ્યા બાદ પોતે છ માસમાં ફ્લેટ ખાલી કરી દેશે તેમ કહીને એક વર્ષ સુધી ફ્લેટ ખાલી કરી ન આપીને આ ફ્લેટ પચાવી પાડતા પટેલ યુવકે કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજ-૨માં રહેતા હીરેનભાઇ વ્રજલાલભાઇ મકાતી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ડો.દેવાંગ ચંદુભાઇ પટેલ અને તેમના પત્ની દેવલ પટેલ(રહે.150 ફુટ રીંગ રોડ,અનુરાગ એપાર્ટ મેન્ટ પાછળ,જલારામ 3)નું નામ આપતા જણાવ્યું હતું કે,વર્ષ-૨૦૧૪માં તેમના મિત્ર અમિતભાઇ ભાણવડીયાએ વાત કરી હતીકે, ડોકટર દેવાંગ ચંદુલાલ પટેલ જેનો ફલેટ ડયુ કોમ્પલેક્ષ, ફ્લેટ નં.૪૦૧, અનુરાગ એપાર્ટમેન્ટ પાછળ, જલારામ-૩, ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ પાસે, રાજકોટ ખાતે આવેલ છે જે ફલેટ તેને વેચવાનો છે. જેથી તેઓ આ ફ્લેટ જોવા માટે ગયા હતા અને ત્યારે ફલેટ ખાતે દેવલ દેવાંગભાઇ પટેલ હાજર હતા અને તેઓ ફલેટ બતાવેલ હતો.તેમજ ફલેટની તેણે કીંમત રૂ.૬૦,૦૦,૦૦૦ નક્કી કરી હતી. અને દસ્તાવેજ બાદ તેઓ ચાર-છ મહીના બાદ આ ફલેટ ખાલી કરીને આપશે તેમ વાત કરી હતી.
જેથી ફરિયાદ એ રૂ.૪૫,૦૦,૦૦૦ રોકડા અને બાદમાં સગાં-સંબંધીઓ પાસેથી ઉછીના લઇ ફલેટનો દસ્તાવેજ રૂ. ૧૫,૦૦,૦૦૦ નો ફરિયાદીના પત્ની નિકીતાબેન એમ બંનેના સંયુકત નામેથી કરાવેલ હતો. ત્યારબાદ દસ્તાવેજ કરાવ્યાના આશરે એકાદ વર્ષ બાદ ડોકટર દેવાંગને ફલેટ ખાલી કરી સોંપવા વાત કરતાં તેઓએ થોડો સમય તમે રાહ જુઓ મારે બીજા મકાનની વાત-ચીત ચાલુ છે તેમ કહ્યું હતું.પરંતુ ખાલી કર્યો ન હતો.જેથી અવારનવાર ફ્લેટ ખાલી કરવાનું કહેવા છતાં તબીબ દંપતીએ ફ્લેટ ખાલી કર્યો ન હતો.જેથી દંપતીએ ફ્લેટ વેચી તેના પૂરા પૈસા લઈ લીધા બાદ છ માસમાં ફ્લેટ ખાલી કરી આપશે તેમ કહીને એક વર્ષ સુધી ખાલી કરી ન આપી ફ્લેટ પચાવી પાડતા અંતે તબીબ અને તેના પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.