કણસાગરા કોલેજ પાસે ધૂમ બાઇક ચાલકે રોડ ક્રોસ કરતાં યુવકને ઠોકરે ચડાવ્યો
બાઇક પુરપાટ ઝડપે હોવાથી 400 મીટર સુધી ઢસડાયુ : લોકોના ટોળાએ બાઇક ચાલક અને તેનો બચાવ કરવા આવેલા પિતાને ફડાકા ઝીંક્યા

રાજકોટમાં ઘણા સ્પોર્ટ બાઇક ચાલકો માર્ગ પર પુરપાટ ઝડપે બાઇકને દોડાવી પોતાની સાથે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકતાં હોય છે અને ગોઝારો અકસ્માત સર્જે છે.

ત્યારે ગઇકાલે સાંજના સમયે કોટેચા ચોક પાસે કણસાગરા કોલેજ નજીક એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો.ત્યારે પુરપાટ ઝડપે આવતા ધૂમ બાઈકે યુવકને ઠોકરે ચડાવ્યો હતો.અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી.જ્યારે બાઇક ચાલક પણ રોડ પર પટકાયો હતો.જ્યારે તેનું બાઇક 400 મીટર જેટલું ઢસડાયુ હતું.

વિગત મુજબ કણસાગરા કોલેજ પાસે આવેલી ચાની દુકાનમાં કામ કરતો રોહિત લામકા નામનો યુવક સાંજના સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો.ત્યારે કોટેચા ચોક તરફથી પ્રતિક નંદાણી (રહે.યુનિવર્સિટી રોડ) નામનો યુવક તેનું આર-15 બાઇક પુરપાટ ઝડપે દોડાવીને આવી રહ્યો હતો.અને રોડ ક્રોસ કરતાં યુવકને ઠોકરે ચડાવ્યો હતો.અકસ્માત સર્જાતાં બંને યુવકો રોડ પર પટકાયા હતા.જ્યારે બાઇક 400 મીટર સુધી ઢસડાયુ હતું.અને પાર્ક કરેલ બાઇક સાથે અથડાયું હતું.તો બીજી બાજુ બાઇક અકસ્માત સર્જાતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.બાઇક ચાલક પ્રતિક નંદાણીના પિતા ઘટના સ્થળે આવ્યા અને પુત્રને હોસ્પિટલ પર લઇ જતાં હતા.અને તેને અકસ્માતમાં ઘવાયેલા રોહિતની મદદ ન કરતાં લોકોના ટોળાએ બાઇક ચાલક અને તેના પુત્રને ફડાકા મારી દીધા હતા.બાદમાં બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.