અમારા કેટરિંગના કામમાં તમારી જ્ઞાતિના માણસો ન ચાલે’ કહી યુવતીને ધમકાવી
સાત વર્ષ સુધી અલગ-અલગ ફંક્શનમાં કામ કરાવ્યા બાદ સીતારામ કેટરિંગના સંચાલકોએ
રંગ’ બતાવ્યો
કણકોટ ગામે રહેતી અનુસુચિત જાતિની યુવતીને સીતારામ કેટરિંગના સંચાલકોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરવા ઉપરાંત યુવતીના પતિ સાથે મારામારી કરતાં પોલીસે મહિલા સહિત સાત સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
આ અંગે રેખાબેન હરેશભાઈ ઉર્ફે હર્ષદભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ કેટરર્સમાં છાશ-પાણીનું વિતરણ કરવા માટે માણસો પૂરા પાડું છું. રેખાબેન છેલ્લા સાતેક વર્ષથી અંકિત સાવલિયા, યોગેશ સાવલિયા, કપિલ મેંદપરાના સીતારામ કેટરિંગમાં માણસો પૂરા પાડવાનું કામ કરતા હતા. દરમિયાન એક મહિના પહેલાં અંકિત, યોગેશ અને કપિલને રેખાબેન અનુસુચિત જાતિના હોવાની જાણ થતાં કહ્યું હતું કે `અમારા કેટરિંગના કામમાં તમારી જ્ઞાતિના માણસો ન ચાલે, તમારા લીધે અમારે કેટલાય કોન્ટ્રાક્ટ જવા દેવા પડે છે’ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ પછી ગત ૨૯ નવેમ્બરે ૧૧:૩૦ વાગ્યે આ ત્રણેય ઉપરાંત તેની સાથે કામ કરતા ઈમરાન અલી, અસરફ, શકીલ અને નસીમ સહિતના રેખાબેનના ઘરે આવ્યા હતા અને હિસાબ અંગે વાતચીત કર્યા બાદ અમારા કેટરર્સમાં માણસો મોકલવા નહીં એમ કહીને રેખાબેનના પતિ સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ થોડા દિવસ બાદ મવડી-પાળ રોડ ઉપર આવેલા વેડિંગ બ્લીચ પાર્ટી પ્લોટ પર સમાધાન માટે બોલાવ્યા હતા પરંતુ પ્લોટની અંદર જવા દીધા ન્હોતા અને ત્યાં જ બોલાચાલી કરી હતી.
આમ આ તમામે મળીને મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ સાત સામે ગુનો નોંધ્યો હતો.