અર્થતંત્રના ડૉક્ટર મનમોહન પંચમહાભૂતમાં વિલીન : નિગમબોધ ઘાટ પર થયા અંતિમ સંસ્કાર, પુત્રીએ મુખાગ્નિ આપી
- નિગમબોધ ઘાટ પર થયા અંતિમ સંસ્કાર : પુત્રીએ મુખયાગ્નિ આપી; ૨૧ તોપોની સલામી સાથે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે નેતાને અપાઈ અશ્રુભીની વિદાય;
- રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી, કોંગી નેતાઓ હાજર રહ્યા; અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
દેશના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંઘનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. શનિવારે નિગમબોધ ઘાટ પર એમની અંતિમ વિધિ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થઈ હતી અને આર્થિક સુધારાના જનકનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સિંઘના સૌથી મોટા સુપુત્રી ઉપિન્દરે પિતાને અશ્રુ સાથે મુખયાગ્નિ આપી હતી અને મનમોહન અમર રહોના નારા લાગ્યા હતા. એમને ૨૧ તોપની સલામી અપાઈ હતી. આખા દેશે એમને ભીની આંખે વિદાય આપી હતી. સિખ પરંપરા મુજબ એમની ધાર્મિક વિધિ કરાઇ હતી.
આ દુખદ અવસર પર નિગમબોધ ઘાટ પર રાષ્ટ્રપતિ મુર્મું, વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ ધનખડ, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને સરકારના મંત્રીઓ તથા ભૂતાનના નરેશ અને અગણિત લોકોએ ભારે હૈયે પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે સહિતના કોંગીના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
આ પહેલા કોંગ્રેસના વડામથક ખાતેથી નિગમબોધઘાટ સુધી મનમોહન સિંઘની અંતિમ યાત્રા નીકળી હતી. પાર્થિવ શરીર જે વાહનમાં રખાયો હતો તેમાં મનમોહનના પરિવાર સાથે રાહુલ ગાંધી સહિતના નેતાઓ પણ રહ્યા હતા. અંતિમ યાત્રા પહેલા પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે કોંગ્રેસના વડામથક પર રખાયો હતો. જ્યાં બધા જ નેતાઓએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
રાહુલ ગાંધીએ અર્થીને કાંધ આપી
મનમોહન સિંઘની અંતિમ યાત્રા જ્યારે કોંગ્રેસના વડામથક ખાતેથી નીકળી ત્યારે સેંકડો લોકો તેમાં જોડાયા હતા અને રાહુલ ગાંધીએ અર્થીને કાંધ પણ આપી હતી અને અંતિમ યાત્રામાં તેઓ આખર સુધી સાથે જ રહ્યા હતા. એમની સાથે મનમોહનના પરિવારજનો પણ રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સાંત્વના આપી
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પણ તે પહેલા જ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો ઘાટ પર પહોંચી ગયા હતા અને ઉદાસ મુખે નેતાને અંજલિ આપી હતી. વડાપ્રધાને પરિવારજનોને આ તકે સાંત્વના આપી હતી.
વિદેશી નેતાઓની અંજલિ
વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.