હવે ફ્લાઈટમાં માત્ર એક જ હેન્ડ બેગ લઇ જઈ શકાશે
લગેજ અંગેના નિયમો બદલાયા : બેગની સાઈઝ પણ નિશ્ચિત કરાઈ
વિમાનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓના લગેજ સંદર્ભે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરીટી (BCAS)એ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમો 2 મે, 2024 બાદ બુક કરાયેલી ટિકિટ પર લાગુ થશે. આ ફેરફારનું કારણ એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં વધતી ભીડ છે. નવા નિયમો અનુસાર, હવે ફક્ત એક જ હેન્ડ બેગ સાથે લઇ જઈ શકાશે એટલુ જ નહી તેનું વજન અને કદ પણ મર્યાદિત રહેશે. નવા નિયમમાં અગાઉથી બુક કરવામાં આવેલી ટીકીટમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
સુત્રો અનુસાર, જો 2 મે, 2024 પહેલા ટિકિટ બુક કરાવી હશે તો ઈકોનોમી ક્લાસના મુસાફરો 8 કિલો સુધીની બેગ લઈ જઈ શકે છે. પ્રીમિયમ ઇકોનોમી માટે 10 કિગ્રા અને ફર્સ્ટ અથવા બિઝનેસ ક્લાસ માટે 12 કિગ્રાની છૂટછાટ છે.
દરમિયાન ઈન્ડીગો એરલાઇન્સે પણ નિયમો જાહેર કર્યા છે.. ઈન્ડીગોના મુસાફરો એક હેન્ડ લગેજજેનું કદ 115 સેમીથી વધુ ન હોય અને વજન 7 કિલો સુધી હોય તે લઇ જઈ શકે છે. આ ઉપરાંત, પર્સનલ બેગ, જેમ કે લેડીઝ પર્સ અથવા નાની લેપટોપ બેગ પણ લઈ જઈ શકે છે. જેનું વજન 3 કિલોથી વધુ ન હોવું જોઈએ.
નવા નિયમો
1) નવા નિયમ પ્રમાણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં મુસાફર પોતાની સાથે એક જ બેગ વિમાનમાં સાથે લઇ જઈ શકશે. જો વધુ બેગ હશે તો એક્સ્ટ્રા બેગ ગણાશે.
૨) હેન્ડ લગેજ માટે વજનની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ઈકોનોમી અને પ્રીમીયમ ક્લાસમાં ૭ કિલો, ફર્સ્ટ અને બીઝનેસ ક્લાસમાં ૧૦ કિલો.
૩) બેગની સાઈઝ પણ નક્કી કરવામાં આવી છે. આ મુજબ ઊંચાઈ 55 સેમી (21.6 ઈંચ), લંબાઈ 40 સેમી (15.7 ઈંચ) અને પહોળાઈ 20 સેમી (7.8 ઈંચ)થી વધુ ન હોવી જોઈએ. બેગનું કુલ માપ 115 સે.મી.થી વધુ ન હોવું જોઈએ. જો તમારી બેગ નિર્ધારિત મર્યાદા કરતા મોટી અથવા ભારે હશે, તો તમારે વધારાની ફી ચૂકવવી પડી શકે છે.