તાપમાનમાં વધારો છતાં ઠંડીનું જોર યથાવત
દિવસભર ફૂંકાતા ભેજવાળા ઠંડા પવનોને કારણે ટાઢોડુ
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષા અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન-ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર યથાવત રહ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં મામુલી વધારો જોવા મળ્યો છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેજ ઠંડા ભેજવાળા પવન ફૂંકાઈ રહયા હોવાથી છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટી જતાં ઠંડીનું જોર વધ્યું છે. બુધવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 0.8 ડીગ્રી વધીને 9.8 ડીગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાયા પણ લઘુતમ તાપમાન વધીને 8.5 ડીગ્રી થયું હતું.
હવામાન વિભાગના સતાવાર આંકડા મુજબ બુધવારે અમદાવાદમાં 15, અમરેલીમાં 9.7, વડોદરામાં 14, ભાવનગરમાં 13.4, ભુજમાં 11.4, દાહોદમાં 15.4, દમણમા 16.8, ડાંગ માં 15.7, ડીસામા 13.5, દીવમાં 13.8, દ્વારકામાં 15.4, ગાંધીનગરમાં 13, જામનગરમાં 16.5, કંડલામા 13.9, નર્મદામાં 13.6, ઓખામાં 17, પોરબંદરમાં 12.2, સુરતમાં 15.7 અને
વેરાવળમાં 14.7 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.