મધ્યાન ભોજન યોજનાના ખાનગીકરણનો વિરોધ
સુરેન્દ્રનગર, દ્વારકા, દાહોદ સહિતના જિલ્લામાં એનજીઓને જમીન ફાળવવા પરિપત્ર કરવામાં આવ્યો
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા પીએમ પોષણ યોજના એટલે કે, મધ્યાહન ભોજન યોજનાના રસોડાનું સંચાલન એનજીઓને સોંપવા માટે હિલચાલના ભાગ રૂપે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં એનજીઓને જગ્યા ફાળવવા પરિપત્ર કરવાં આવતા ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો છે.
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ પ્રમુખ કિશોર જોશી અને પ્રવીણ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી હાલમાં પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં પીએમ પોષણ યોજનાના સેન્ટ્રલી કિચન માટે એનજીઓને જગ્યા ફાળવવા પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જણાવી મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ નહીં કરવા માંગ કરી છે.
વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અંતરિયાળ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર દૂરથી તૈયાર થઈને આવતું ભોજન વિદ્યાર્થીઓના આરોગ્ય માટે સારું નહીં હોવાનું સાથે કેટલા અંતરિયાળ જિલ્લામાં ચોમાસા દરમિયાન વાહન પહોંચવું પણ મુશ્કેલ છે ત્યારે હાલમાં સ્થાનિક વિધવા, ત્યક્તા અને બેહનો માતાઓ મામૂલી વેતનમાં વિદ્યાર્થીઓના હિતમાં ભોજન તેમજ નાસ્તો બનાવી રોજગારી મેળવી રહ્યા છે તેમના હિતમાં મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ નહીં કરવા અંતમાં માંગ ઉઠાવી હતી.