લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ પકડાયું : એકની ધરપકડ
માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મોટા બાટલાઓમાંથી ગેસ કાઢી નાના બાટલાઓમાં ભરી રહ્યો હતો : 14 ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી રૂ.33,400નો મુદામાલ આજીડેમ પોલીસે કબજે કર્યો
રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની નાના બાટલાઓ ભરી ગ્રાહકોને ઓછા વજન વાળા બાટલાઓ પધરાવતો હતો.જયારે પોલીસે તેની દુકાનમાંથી 14 ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી રૂ.33,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.
વિગત મુજબ આજીડેમ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે,લોઠડા ગામે ખોડીયાર ઈલેક્ટ્રીક દુકાનની સામે આવેલ માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેસ રીફીલીંગ કરી રહ્યો છે.જેથી પંચોને સાથે રાખી ટીમે દરોડો પાડ્યો હતો.અને દુકાનના પાછળના દરવાજા પર જઈ તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં ગેસના નાના-મોટા બાટલાઓ તથા ઈલેકટ્રીક વજન કાંટો પડેલો હતો અને ગેસ રીફીલીંગ શરૂ હોય જેમા એક ગેસનો બાટલો ઉંધો રાખેલ હોય તેમજ એક નાનો બાટલો ઉભો રાખેલ હોય અને તે બન્ને બાટલા વચ્ચે એક મોટર હોય જે મોટર મારફત ગેસ રીફીલીંગ થતું હોવાનું જોવા મળ્યું હતું.જેથી પોલીસે 14 ગેસના બાટલા અને ગેસ રીફિલિંગનો સમાન કબ્જે કરી મનીશ શૈલેષ ભાલારાની ધરપકડ કરી હતી.જયારે પ્રાથમિક પૂછતાછમાં પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા રૂપિયા લઇ ધંધો કરતો હતો.પોલીસે વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.