મારી યોજના પોર્ટલ: ગુજરાત સરકારના સુશાસનનું વધુ એક ઉદાહરણ
નાગરિકો યોજનાઓનો લાભ એક જ સિંગલ પોર્ટલ પરથી પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે
સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈપણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે. સુશાસન લોકસશક્તિકરણનું ઉદાહરણ છે. સુશાસન એટલે છેવાડાના માનવી સુધી વિકાસની ધારા વહે અને રાજ્ય અને દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સુશાસનની જે પ્રણાલી વિકસિત કરી હતી, તેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવી રહ્યા છે. રાજ્યમાં સુશાસનનું વધુ એક ઉદાહરણ સ્થાપિત કરતા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે ‘મારી યોજના’ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે.
મારી યોજના પોર્ટલના ફાયદાઓ
• એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે
• સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે
• રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે
• ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે, જે નાગરિકો માટે સુવિધા ઉભી કરશે
પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ, તેનો સારાંશ, પાત્રતાના માપદંડો, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો, અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓને સરળતાથી આ પોર્ટલ પર શોધી શકે છે. આ ઉપરાંત, નાગરિકો આ પોર્ટલ પર મલ્ટિપલ પર્સનલાઇઝ્ડ ક્રાઇટેરિયા એટલે કે વિવિધ વ્યક્તિગત માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતીની શોધ કરી શકે છે.