આર્યન ખાનનો કેસ મારા માટે બહુ નાનો હતો: સમીર વાનખેડે
અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સામે ડ્રગનો કેસ કરી મશહૂર બની ગયેલા નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તેમના માટે એ કેસ ખૂબ નાનો હોવાનું જણાવ્યું હતું. 2021 માં તેમણે આર્યન ખાનની ધરપકડ કરી હતી.
એ પછી વિવિધ અદાલતોમાં જામીન અરજીઓ નામંજૂર થતાં આર્યન ખાન 25 દિવસ સુધી જેલમાં રહ્યો હતો અને અંતે તારીખ 28 ઓક્ટોબર 2021 ના રોજ તેને જામીન મળ્યા હતા. મે 2022 માં તેની સામેના તમામ આરોપો રદ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં સમીર વાનખેડેની ભૂમિકા વિવાદાસ્પદ બની હતી. તેમની ઉપર ભ્રષ્ટાચાર તથા કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન ન કર્યું હોવાના આક્ષેપો થયા હતા.
એ પછી પ્રથમ વખત એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે મારી ઉપર હું માત્ર હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓને જ નિશાન બનાવતો હોવાના આક્ષેપો થાય છે પણ તે આક્ષેપો ખોટા છે. મેં અત્યાર સુધીમાં 3400 કેસ કર્યા છે પરંતુ તેમાં સામાન્ય લોકોની સંડોવણી હોવાને કારણે મીડિયામાં ચમક્યા નથી. તેમણે કહ્યું કે કોઈ કેસને મીડિયા સનસનીખેજ બનાવવા માગતું હોય તો તેના ઉપર મારો કોઈ કાબુ નથી.
વાનખેડે કહ્યું કે મારી વ્યક્તિગત જિંદગી કે પ્રોફેશનલ લાઇફમાં સેલિબ્રિટી જેવો કોઈ શબ્દ જ નથી. હું માત્ર મારી ફરજ બજાવું છું. આર્યન ખાન કેસ અંગે વિશેષ વાત કરવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે મેટર સબ જ્યુડીસ છે અને તેના અંગે હું ક્યાંય જાહેરમાં ચર્ચા નહીં કરું તેવી એફિડેવીટ મેં આપેલી છે. તેમણે ઉમેર્યું કે મારા માટે આ કેસ ખૂબ નાનો હતો. વધુમાં તેમણે કહ્યું કે એ કેસ અંગે બોલવા જેવું ઘણું છે પણ એક વખત અદાલતનો ચુકાદો આવી જાય તે પછી હું એ અંગે વાત કરીશ. તેમણે પોતે કાંઈ ખોટું ન કર્યું હોવાનું અને કોઈ વાતથી ડરતા ન હોવાનો દાવો કર્યો હતો.
જવાન ફિલ્મના ડાયલોગને થર્ડ ક્લાસ ગણાવ્યો
આર્યન ખાન નિર્દોષ મુક્ત થયા બાદ 2023 માં શાહરુખ ખાનની ફિલ્મ જવાન ફિલ્મનો,’ બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર..’ એ ડાયલોગ ખૂબ પ્રચલિત બન્યો હતો. સમીર વાનખેડેને પરોક્ષ રીતે સંબોધીને એ ડાયલોગ બોલાયો હોવાનું માનવામાં આવે છે. એ અંગે વાત કરતાં સમીર વાનખેડેએ એ ડાયલોગ ને સડક છાપ અને થર્ડ ક્લાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સભ્ય સમાજમાં લોકો ‘ બાપ બેટા ‘ જેવા શબ્દોનો ઉપયોગ નથી કરતા. આવી બાબતો પર ચર્ચા કરી હું સમય બગાડવા નથી માંગતો.