આસામમાં બાળ લગ્ન વિરોધી ઝુંબેશ અંતર્ગત વધુ 416 લોકોની ધરપકડ
આસામમાં હિમતા બિશ્વા સરમા સરકારની બાળલગ્ન વિરોધી ઝુંબેશના ત્રીજા તબક્કામાં પોલીસે વધુ 335 કેસ નોંધી 416 લોકોની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી સરમાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે
બાળ લગ્નના દૂષણને ડામવામાં સરકાર પાછી પાની નહીં કરે અને આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે.
તેમના જણાવ્યા મુજબ તારીખ 21 અને 22 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યની પોલીસ દ્વારા સંકલિત ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાળ લગ્નના કેસ મળ્યા બાદ 416 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ અગાઉ ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2023 માં પણ પોલીસ દ્વારા આ પ્રકારની જ કાર્યવાહી કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં બાળ લગ્ન અંગે 4,515 કેસ નોંધી 3483 લોકોની ધરપક કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં પોલીસે 710 કેસ નોંધી 915 લોકોને જેલ ભેગા કર્યા હતા.
અત્રે એ પણ નોંધનીય છે કે મુસ્લિમ મેરેજ એન્ડ ડાઇવોર્સ એક્ટ 1935 નાબૂદ કર્યા બાદ બાળ લગ્ન વિરોધી ઝુંબેશમાં મુસ્લિમોને જ ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે મુખ્યમંત્રી સરમાએ કોંગ્રેસ રાજકીય લાભ માટે આવા આક્ષેપો કરતા હોવાનો વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે બાળ લગ્નનું આ સામાજિક દૂષણ નાબૂદ કરવા માટે અમારી સરકાર હિંમતભેર પગલા લેતી રહેશે.