પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો : 17 જેટલા સુરક્ષાકર્મીઓના મોત, અનેક લોકો ઘાયલ
પાકિસ્તાને જે આતંકીઓને પાળી પોષીને મોટા કર્યા છે એ જ હવે એને ડંખ મારી રહ્યા છે. પાકમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ભયંકર વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં લગભગ 17 જેટલા સુરક્ષાકર્મીઓના મોત થયા હતા જ્યારે અન્ય ઘણાં ઘાયલ થયા હતા.
આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જો કે સરકારે આ ઘટના અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવી રહ્યા છે.
ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 17 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ ફાયરિંગના પણ થયું હતું. જેના કારણે ઘાયલોની સંખ્યામાં વધુ વધારો થયો હતો. ઘટના બાદ સુરક્ષા જવાનો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા અને આતંકીઓને શોધવા અભિયાન હાથ ધર્યું હતું.