નકલી લેખ-દસ્તાવેજ કૌભાંડમાં પ્રાંત-1 દ્વારા તપાસ શરૂ
રેવન્યુ રેકર્ડની તપાસની સાથે સીટી સર્વે પાસેથી રેકર્ડ મંગાવવામાં આવ્યું
રાજકોટ : રાજકોટમાં પારકી જમીન હડપ કરવા વર્ષ 1970ના દાયકામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજોમાં ચેડાં કરી બોગસ દસ્તાવેજ બનાવવાની સાથે અભિલેખાગાર કચેરીમાં રહેલા રાજાશાહી લેખ જેવા બનાવટી લેખ ઉભા કરી કિંમતી સરકારી જમીન હડપ કરવાના કારસામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે સીટી પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હોય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટર હર્ષ સોની અને જયદીપ ઝાલા તેમજ કહેવાતા વકીલ કિશન ચાવડા વિરુદ્ધ વર્ષ 1970ના અરસામાં નોંધાયેલ અસલી દસ્તાવેજો સાથે છેડછાડ કરી નકલી દસ્તાવેજો બનાવી રાજકોટના રૈયા, મવડી તેમજ શહેરના માધાપર સહિતના વિસ્તારની અલગ લેગ જમીન હડપ કરવા માટે 17 બોગસ દસ્તાવેજ ઉભા કરવાં પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત મવડી સર્વે નંબર 194ની સરકારી ખરાબાની જમીન પોતાના બાપદાદાની હોવાના દાવા કરી નકલી લેખ બનાવવા પ્રકરણમાં પણ અલગ -અલગ બે ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામેલ સીટી પ્રાંત-1 રાજકોટને તપાસ સોંપવામાં આવતા હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી અસલ દસ્તાવેજમાં છેડછાડ કરી બોગસ દસ્તાવેજ ઉભા કરનાર કૌભાંડીઓ દ્વારા આ બોગસ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવવામાં આવી છે કે કેમ તેમજ સીટી સર્વે કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે નોંધ મામલે સીટી પ્રાંત-1 કચેરી દ્વારા તપાસ શરુ કરી હાલમાં સીટી સર્વે કચેરી પાસેથી ઉક્ત તમામ દસ્તાવેજોને લગત રેકર્ડ મંગાવવાની સાથે રેવન્યુ રેકર્ડ અંગે પણ જીણવટ ભરી તપાસ જોરશોરથી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.