આધારકાર્ડમાં મિસમેચ અને રિજેક્શન ઘટાડવા માટે તાકીદ
ગાંધીનગરના નાયબ નિયામકે રાજકોટના ચાર આધારકાર્ડ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરી
ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના આધારકાર્ડ સેન્ટરમાં રુબરુ તપાસ
આધારકાર્ડમાં મિસમેચ અને રિજેક્શનનું પ્રમાણ વધતા તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકાના 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાદ પણ લોકોને આધારકાર્ડ કઢાવવાની કામગીરીમાં હેરાનગતીની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે બુધવારે ગાંધીનગર આધારકાર્ડ વિભાગના નાયબ નિયામક અચાનક રાજકોટ જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા અને ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના આધારકાર્ડ સેન્ટરમાં રુબરુ તપાસ કરી માહિતી મેળવી બાદમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી આધારકાર્ડમાં મિસમેચ અને રિજેક્શન ઘટાડવા માટે તાકીદ કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ઈ-કેવાયસી તેમજ જન્મના દાખલામાં આધારકાર્ડ મુજબ સુધારા વધારા કરવાની કામગીરીને કારણે હાલમાં લોકો આધારકાર્ડમાં ફોનનંબર અને સરનામાં સુધરાવવા માટે કતારો લગાવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં આધારકાર્ડની પૂરતી કીટ ન હોવાની બૂમ ઉઠી છે અને લોકો મહાનગર પાલિકાના આધારકાર્ડ કેન્દ્ર તેમજ અન્ય આધારકાર્ડ સેન્ટર ઉપર લાઈનો લગાવી રહ્યા હોવા છતાં સુધારા વધારા થતા ન હોવાની ફરિયાદ વચ્ચે બુધવારે ગાંધીનગરથી આધારકાર્ડ વિભાગના નાયબ નિયામકે રાજકોટ દોડી આવ્યા હતા અને તેઓએ ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના આધારકાર્ડ સેન્ટરમાં રુબરુ તપાસ કરી માહિતી મેળવી હતી.
વધુમાં ગાંધીનગરથી આવેલા નાયબ નિયામકે ચાર આધારકાર્ડ સેન્ટરની મુલાકાત લીધા બાદ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્રના નોડલ અધિકારીઓ, પોસ્ટ, ડીપીઓ, બેન્ક સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજ્યા બાદ તમામ સંબંધિત અધિકારીઓને આધારકાર્ડ કામગીરીમાં મિસમેચ અને રિજેક્શન ઘટાડવા માટે તાકીદ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.