રાજકોટની હરિહર સોસાયટીમાં સાર્વજનિક પ્લોટ ખાનગી ઠેરવી દેવાતા વિવાદ
હાઇકોર્ટમાં મેટર હોવા છતાં પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો, કલેકટર સમક્ષ અપીલ
જમીન કૌભાંડ નગરી રાજકોટમાં નકલી દસ્તાવેજના આધારે પારકી જમીન હડપ કરવાના કૌભાંડ ઉપરાંત રાજાશાહી સમયના નકલી લેખ બનાવી સરકરી જમીન હડપ કરવા કારસો ચાલી રહ્યો છે તેવા સમયે જ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ હરિહર સોસાયટીમાં સાર્વજનિક હેતુ માટેનો પ્લોટ પોતાને રાવડા હક્કમાં મળ્યો હોવાના નામે નાયબ કલેકટર સમક્ષ અરજી કરી હકકચોકસી કરાવી લઇ પ્લોટ ઉપર કબ્જો કરી લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે, ચોંકાવનારી વાત તો એ છે કે સમગ્ર મામલે હાઇકોર્ટમાં કાનૂની વિવાદ ચાલતો હોવા છતાં નાયબ કલેકટરે માપણી માટે હુકમ કરી દેતા સમગ્ર મામલે હાલમાં કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના સર્વે નંબર 445 પૈકીની જમીન ઉપર આવેલ હરિહર સોસાયટીમાં સાર્વજનિક હેતુની પોણા સાતસો વાર કિંમતી જમીન રાજાશાહી સમયમાં રાવડા હક્કથી મળી હોવાનો દાવો કરી 75 વર્ષથી પોતે કબ્જો ધરાવતા હોય જેની હક્કચોક્સી કરવા અરજી કરતા સીટી સર્વે કચેરી દ્વારા આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં વિવાદ ચાલતો હોવાથી કાર્યવાહી થઇ શકે નથી તેવો જવાબ આપતા આ જવાબથી નારાજ થઇ અરજદારો દ્વારા રાજકોટ સીટી પ્રાંત-1 કચેરીમાં અરજી કરતા પ્રાંત અધિકારીએ 203 હેઠળ કેસ ચલાવી હકકચોકસી કરવા કરતા સોસાયટીના રહીશોને બાદમાં આ બાબતની જાણ થતા ચોકી ઉઠ્યા હતા.
વધુમાં સોસાયટીના રહેવાસીઓની જાણ બહાર સાર્વજનિક હેતુ માટેના પ્લોટની હક્ક ચોક્સી થઇ જવા પ્રકરણની જાણ થતા જ સોસાયટીના રહેવાસીઓ દ્વારા હાલમાં પ્રાંત અધિકારી રાજકોટ સીટી-1ના હુકમ સામે જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવી છે અને આ અપીલમાં સોસાયટીના રહીશોએ ખોટા દસ્તાવેજોને આધારે ખોટી રજુઆત કરી નાયબ કલેકટર પાસે હુકમ મેળવી લીધો હોવાનું જણાવી આ મામલે કોર્ટમાં પણ મેટર પેન્ડિંગ હોવા છતાં સાર્વજનિક હેતુ માટેના પ્લોટ ઉપર દાવો કરનારે જેસીબીથી આ જમીન ઉપરની દીવાલ પણ તોડી નાખી હોવાનું અપીલ અરજીમાં જણાવ્યું છે ત્યારે સમગ્ર મામલે જિલ્લા કલેકટરમાં હાલમાં અપીલ દાખલ થઇ ગઈ છે, આ સંજોગોમાં જો સાર્વજનિક હેતુ માટેની જમીન ઉપર દાવો કરનાર લોકોના દસ્તાવેજની ચકાસણી કરી આ દસ્તાવેજને એફએસએલમાં મોકલવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.