રાજકોટમાં મહિલાઓ અસુરક્ષિત : અયોધ્યા ચોકમાં યુવતી અને રેલનગરમાં મહિલા બની હવસનો શિકાર
અયોઘ્યા ચોક પાસે રહેતી યુવતીને પરિણીત શખ્સે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયાં બાદ તારી સાથે લગ્ન કરીશ કહીં ફ્લેટમાં દુષ્કર્મ ગુજારી ફ્લેટમાંથી કાઢી મૂકી
રેલનગરની મહિલાને પૂર્વ પ્રેમીએ બળજબરીથી બોલેરોમાં લઈ જઈ બહેનના ઘરે બળાત્કાર ગુજારી માર માર્યો : તાલુકા પોલીસ અને પ્ર.નગર પોલીસ ગુનો નોંધ્યો
રાજકોટમાં મહિલાઓ અસુરક્ષિત હોય તેવુ સ્પષ્ટ માલૂમ પડી રહ્યું છે.કારણ કે એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધું બે વધુ બે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મૂળ જામખંભાળિયા પંથકની વતની અને અયોઘ્યા ચોક પાસે રહેતી યુવતીને પરિણીત શખ્સે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયાં બાદ તારી સાથે લગ્ન કરીશ કહીં ફ્લેટમાં અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.અને બીજા બનાવમાં રેલનગરની મહિલાને પૂર્વ પ્રેમીએ બળજરીપૂર્વક બોલેરોમાં બહેનના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરી બેફામ મારમારતાં પ્ર.નગર પોલીસ અને તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ જામખંભાળિયા પંથકની વતની 32 વર્ષીય યુવતીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મરાજસિંહ હેતુભા જાડેજા (રહે. શીતલપાર્ક,રાજકોટ) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેણી ત્યાં છેલ્લા ત્રણેક મહીનાથી અને તે એપાર્ટમેન્ટમા છેલ્લા સાતેક વર્ષથી રહી ઘરકામ કરે છે. બે વર્ષ પહેલા તા.16/10/2022 થી ઇન્સ્ટાગ્રામ મારફત ધર્મરાજસિંહ જાડેજા સંપર્કમાં આવ્યો હતો.બાદ બંન્ને વચ્ચે નંબરની આપ-લે થયેલ અને બન્ને વચ્ચે ફોનમા વાત ચિત શરૂ થયેલ હતી. તે દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતા. બન્ને અવાર નવાર એકબીજાને રૂબરૂ મળતા હતા. ત્યારે બન્નેની વાતચિત દરમ્યાન ધર્મરાજસિંહે કહેલ કે, તેમના લગ્ન થઈ ગયેલ છે. પરંતુ ત્યાથી તેમનુ છુટુ થઈ જશે ત્યારબાદ તે તેણી સાથે લગ્ન કરશે બાદમાં બન્ને અલગ અલગ જગ્યાએ દ્વારકા, કબરાઉ, સરધાર વગેરે સ્થળે ફરવા ગયા હતા. બાદમાં નરાધમે જયા સુધી તેમનું છુટુ ન થઈ જાય ત્યા સુધી તેમના ફલેટમાં રહેવાનુ જણાવેલ હતું. જેથી તેણી ત્યા તેના ફલેટ નં.302 માં રહેતી હતી. નરાધમે લગ્ન કરવાનુ કહી ફ્લેટમા યુવતી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હતો.દરમ્યાન તેણીએ આરોપીને મકાન લેવા માટે રૂ. 5 લાખ ગુગલ-પે થી પણ આપ્યા હતા. બાદ બન્ને વચ્ચેના પ્રેમ સબંધ બાબતે આરોપીના ઘરે ખબર પડી જતા તેને સંબંધ ધીમે ધીમે ઓછો કરી નાખ્યો હતો. છેલ્લે દોઢેક માસ પહેલા તા.20 /10/2024 ના તેણી સાથે આરોપીએ ફ્લેટમાં શરીર સબંધ બાંધ્યો હતો. તેમજ થોડા સમય બાદ આરોપીના પરિવારજનો તે ફ્લેટમાં રહેવા આવી જતા તેણીને કાઢી મૂકી હતી.અને ફોન પણ બંધ કરી દિધો હતો જેથી લગ્નની લાલચ આપી અનેક વાર દુષ્કર્મ ગુજારતા અંતે તેણીએ ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ પ્ર. નગર પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જાહિદ જુસબ જુણેજા (રહે. રૈયાધાર,રાજકોટ) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેણી પોતાના ઘરે ગૃહ ઉદ્યોગ કરે છે અને આરોપી સાથે તેણીને અગાઉ પ્રેમ સંબંધ હોય જેથી આરોપીએ તેણીને હવે કેમ મારી સાથે સબંધ રાખવા નથી તેમ કહીં રેલનગરમાં આવેલ સનરાઇઝ સ્કૂલ પાસેથી બોલેરો ગાડીમાં બેસાડી આરોપીની બહેન જ્યાં રૈયાધારમાં લઇ જઈ તેની બહેનના ઘરમાં મહિલાના મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી શરીરે બેફામ ઢીકા પાટુનો મારમાર્યો હતો.જે બાદ સીધી ત્યાંથી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.