આટકોટમાં 13.11 લાખનો શંકાસ્પદ એલડીઓનો જથ્થો કબ્જે લેવાયો
પુરવઠા એન્ફોર્સમેન્ટના દરોડા બાદ જસદણ મામલતદારની કાર્યવાહી
રાજકોટ જિલ્લામાં ગોંડલ અને જસદણ પંથકમાં એલડીઓના બેફામ વેચાણની વ્યાપક ફરિયાદો વચ્ચે તાજેતરમાં ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમોએ આટકોટ નજીક દરોડો પાડતા એલડીઓ વેચતો શખ્સ પોબારા ભણી જતા આ મામલે જસદણ મામલતદાર દ્વારા જમીનમાં બનાવવામાં આવેલ ટાંકી તેમજ એક 407 વાહનમાં ફિટ કરવામાં આવેલ ટાંકામાંથી 18,222 લીટર શંકાસ્પદ ઇંધણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ડિસેમ્બર માસની શરૂઆતમાં ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમે જસદણના આટકોટ ખાતે વર્ણીરાજ હોટેલ નજીકથી શંકાસ્પદ એલડીઓનું વેચાણ કેન્દ્ર પકડી પાડ્યું હતું, જો કે, પુરવઠા વિભાગના દરોડા સમયે એલડીઓ વેચાણ કરતો શખ્સ હાજર ન મળી આવતા આ મામલે જસદણ મામલતદારને જથ્થો સીઝ કરવા સૂચના આપી હતી, બાદમાં જસદણ મામલતદાર દ્વારા બનાવ સ્થળેથી ટેન્ક ફિટ કરેલ એક ટાટા 407 વાહન તેમજ જમીનમાં રાખેલી ટાંકીઓમાંથી કુલ 18,222 લીટર શંકાસ્પદ જથ્થો કબ્જે કરી રૂપિયા 13,11,984નો જથ્થો સીઝ કરી ઇલેક્ટ્રિક મોટર સહિતના સાધનો કબ્જે કર્યા હતા. આ શંકાસ્પદ પ્રવાહી મનીષ અંતરાય ઠાકર નામની વ્યક્તિ દ્વારા પુરુષાર્થ પેટ્રોલિયમના નામે વેચાણ કરતો હોવાનું પુરવઠાની તપાસમાં સામે આવ્યું છે.