પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો એ મુદે વિદ્યાર્થીઓ બાખડી પડ્યા
હરિવંદના કોલેજમાં LLBના છાત્રએ વોટસએપ ગ્રુપમાં વિડીયો મૂકતાં બે વિદ્યાર્થીઓએ બાથરૂમમાં પૂરી માર માર્યો
રાજકોટની હરિવંદના કોલેજમાં એલ.એલ.બીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોલેજના બાથરૂમમાં તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતા અન્ય છાત્રોએ હુમલો કરતા આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.છાત્રએ પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તે અંગેનો વિજ્ઞાનનો વિડીયો વોટસએપ ગ્રુપમાં મૂકતા બે વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો.
વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર ઓમનગર 40 ફૂટ રોડ પટેલ નગરમાં વિવેક મકાન ખોડીયાર પાનની બાજુમાં રહેતા અને હરિવંદના કોલેજમાં એલ.એલ.બીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિવેકભાઈ રસીકલાલ કાલરીયા (ઉવ 39)એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત જોષી તથા યગ્નેશ મહેતાનું નામ આપતા જણાવ્યું હતું કે,ગત તા.04/12ના રોજ હરિવંદના કોલેજના વોટસએપ ગ્રુપમાં યુટ્યુબર પરનો ધ્રુવ રાઠીનો પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તેવો વિજ્ઞાનનો વિડીયો મુક્યો હતો.જેથી આ વિડીયો બાબતે ઘણા લોકોએ કારણ વગરની ટિપ્પણીઓ કરી હતી.જેથી વિવેકે આ બાબત પર ચર્ચા કરવા અને ખોટો વિવાદ નહીં કરવાં કહ્યું હતું.જેમાં આરોપી ભરતભાઇ જોષી તથા યગ્નેશ મહેતાએ ઝગડો કરી અને માર મારવાની ધમકી આપી હતી.
બાદમાં તા.09/12ના વિવેક હરીવંદના કોલેજમાં લેક્ચર ભરવા ગયો હતો.ત્યારે લેકચર પૂરો કરી બાથરૂમ કરવા ગયો ત્યારે ભરત જોષી અને યગ્નેશ મહેતાએ હુમલો કર્યો હતો.વિવેકના મિત્રોએ તેને બચાવવા વચ્ચે પડ્યા હતા. જેથી વિવેકે ત્યાંથી ભાગી પ્રોફેસરના રૂમમાં જઈ તમામ ઘટનાની જાણ કરી હતી.જેથી કોલેજમાં મારમારી કરનાર બે છાત્રો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.