વન નેશન-વન ઈલેક્શન બીલ આજે રજૂ નહી થાય
‘વન નેશન વન ઇલેક્શન’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ હવે આ બિલ રજૂ કરવામાં આવશે નહીં. લોકસભાની કામકાજની યાદીમાં આ બિલનો ઉલ્લેખ નથી તેથી એવી ધારણા છે કે, આ બીલ રજૂ કરવામાં નહી આવે. બીજી તરફ કેટલાક સુત્રો એમ પણ કહે છે કે, સરકાર અરજન્ટ બીઝનેસ તરીકે આ બીલ રજૂ કરી પણ શકે છે.
સરકારે આ બિલની નકલ સાંસદોને પણ મોકલી આપી છે કે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે.સંસદનું શિયાળુ સત્ર આગમી 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. હવે જો આ બિલને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં નહીં આવે તો શિયાળુ સત્રના માત્ર ચાર દિવસ જ બચશે. આવી સ્થિતિમાં આ બીલ રજૂ ન થાય તેવી સંભાવના પણ છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 12 ડિસેમ્બરના રોજ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણીય સુધારા બિલ વન નેશન વન ઈલેક્શનને મંજૂરી આપી હતી. કેબિનેટે બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી હતી, જેમાંથી એક લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ સાથે સંબંધિત બંધારણ સુધારો બિલ છે, જ્યારે અન્ય બિલ વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની એક સાથે ચૂંટણીઓ સાથે સંબંધિત છે.