પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો બળાપો : ICC પાકિસ્તાનને લોલીપોપ આપી રહ્યું છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન બાસિત અલીએ દેશના ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે કે મહિલા વર્લ્ડ કપ તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પાસેથી મળેલા ‘લોલીપોપ’ને સ્વીકારે ન કરે. 54 વર્ષીય બાસિતે પોતાના યુટ્યુબ પેજ પર એક વીડિયોમાં કહ્યું હતું કે મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ પર સહમત થનારા પાકિસ્તાનને આર્થિક વળતરને બદલે 2027માં મહિલા વર્લ્ડ કપ માટે હોસ્ટિંગ રાઇટ્સ આપવાની સમાધાનકારી ફોર્મ્યુલાથી દેશને કોઈ ફાયદો થશે નહીં.
તેના બદલે તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને મેન્સ એશિયા કપની માગ કરવા વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી પર મડાગાંઠ તોડવા માટે એવી સંમતિ સધાઈ છે કે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો યજમાન દેશ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજવામાં આવશે. આવી જ રીતે 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની મેચો પણ ભારતમાં યોજાશે નહીં.
બાસિત અલીએ કહ્યું કે હવે કહેવામાં આવી રહ્યું છે કે 2027 અથવા 2028 માં પાકિસ્તાનને મહિલા વિશ્વ કપ આપવામાં આવશે. બધા કહેશે, ‘વાહ ! તે અદ્ભુત છે, એક નહીં પરંતુ બે આઈસીસી ઇવેન્ટ્સ (પાકિસ્તાનમાં)! પરંતુ આવા આયોજનનો અર્થ શું છે? આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે 2026માં પાકિસ્તાનની ટીમ ભારત આવે અને પછી ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન આવે. બ્રોડકાસ્ટર્સને કોઈ નુકસાન થશે નહીં.
બાસિત અલીએ કહ્યું કે શું તમે જાણો છો આ લોલીપોપ છે? આ તે લોલીપોપ છે જે આઇસીસી પીસીબીને આપી રહ્યું છે. જો તમે આ વાત સાથે સહમત છો તો લેખિતમાં કંઈ માગશો નહીં અને અમે તમને બીજી આઈસીસી ઈવેન્ટ આપીશું. તેનો (પાકિસ્તાનને) કોઈ ફાયદો નહીં થાય. તેના બદલે તેઓએ એશિયા કપ માટે બોલી લગાવવી જોઈએ, જે આવતા વર્ષે છે. પીસીબીએ તે માટે પૂછવું જોઈએ. વિમેન્સ વર્લ્ડ કપ કે અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરવાથી પીસીબીને કોઈ ફાયદો થશે નહીં. જો પીસીબી આ લોલીપોપનો સ્વીકાર કરશે તો તેને નુકસાન થશે.