સંતાનની ખોટ પૂરી કરવા બાળકનું અપહરણ કર્યું
સુરત અને અમદાવાદ રેલવે પોલીસે 48 કલાકમાં 5 વર્ષના બાળકને શોધી કાઢ્યો
સુરતના કતારગામ વિસ્તારમાંથી અપહરણ થયેલા પાંચ વર્ષના માસુમ બાળકને માત્ર 48 કલાકમાં શોધી કાઢી સુરત અને અમદાવાદ રેલવે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. સુરતના કતારગામ સ્થિત લલિતા ચોકડી પાસે આવેલા ફૂટપાથ પર ભિક્ષુક સાથે રહેતી વિધવા મહિલાના બાળકને શોધી પોલીસે ફરી ભેટો કરાવ્યો છે. ભંગાર લે- વેચનો ધંધો કરતા યુવકે પુત્રની ખોટ પૂરી કરવા માટે આ અપહરણ કર્યાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે. જોકે માનવ તસ્કરીની પણ આશંકા પોલીસે વ્યક્ત કરી છે. જેથી આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ પોલીસે હાથ ધરી છે.
સાતમી જુલાઈ ના રોજ રથયાત્રાના દિવસે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી નજીકથી માસુમ પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બાળકોના અપહરણની ઘટનાને લઈને સુરત પોલીસ પહેલાથી જ ખૂબ જ પ્રયત્નશીલ છે.જેથી આ ઘટનામાં પણ પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે અપહરણ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. પરંતુ પોલીસને બાળકની કોઈપણ ભાળ મળી ન હતી. જોકે એક સીસીટીવી કેમેરામાં બાળક નજીકમાં આવેલી ભંગારની દુકાનમાં જતો નજરે પડ્યો હતો. જેથી ભંગાર લે- વેચ કરતા દિપક બાબુરાવ ઇંગળે પર પોલીસ ને શંકા ગઈ હતી. કતારગામ પોલીસ અને અમદાવાદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ડીસીપી ઝોન-2 ની ટીમ દ્વારા સંકલન સાંધી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન અમદાવાદ રેલવે પોલીસ દ્વારા માધુપુરા ખાતેથી આરોપી દીપક બાબુરાવ ઇંગ્લેની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીના કબજામાંથી પોલીસે બાળકને મુક્ત કરાવી માતા જોડે ભેટો કરાવ્યો હતો.આરોપી ગેમ રમવા માટે બાળકને મોબાઈલ પણ આપતો હતો. આરોપી બાળકને ખૂબ જ પસંદ કરતો હતો. આરોપી ના લગ્ન પણ થોડા સમય પહેલા થયા હતા અને તેને સંતાનમાં બાળક પણ નહોતું. જેથી બાળકની ખોટ પુરી કરવા અપહરણ કર્યાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.
મહત્વનું છે કે આરોપી નો કોઈ બદઈરાદો નહોતો.સંતાન ની ખોટ પુરી કરવા તેણે આ અપહરણ કર્યું હતું.જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી ભલે કહેતો હોય કે સંતાન ની ખોટ પૂરી કરવા તેણે આ અપહરણ કર્યું છે. પરંતુ પોલીસે માનવ તસ્કરી ની આશંકા વ્યક્ત કરી છે. જે એન્ગલથી પણ પોલીસ આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે.જ્યાં આરોપીનો કોઈ બદ ઇરાદો હતો કે કેમ તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.