- લાદી લગાડવાનું કામ આપી થોડું પેમેન્ટ આપ્યા બાદ ૧૦.૭૦ લાખ ન આપ્યા : ઉઘરાણી કરતાં ‘તને મારી નાખી તારા કટકા કરી નાખું’કહી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
રાજકોટ એઈમ્સના બાંધકામમાં કોન્ટ્રાકટર રાખનાર નાગપુરની કંપનીના કોન્ટ્રાકટરની લુખ્ખાગિરિ સામે આવી છે.આ કંપનીએ મોરબીના યુવાનને પેટા કોન્ટ્રાકટ આપી લાદી લગાડવાનું કામ આપ્યું હતું.જેમાં રૂ.૧૫ લાખની ચુકવણી કરવાની હતી અને સામે તેને ૪.૩૦ લાખ ચૂકવી બાકીના પૈસાનું બુચ મારી પેટા કોન્ટ્રાકટરને ઉશ્કેરાઇ ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધો છે.
વિગત મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા રોડ વિજયનગર-૧ માં રહેતાં અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ધર્મેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૩)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્ર નાગપુરમાં વિહરીગાંવ ખાતે રહેતાં તુષાર હરીશભાઇ રાવલનું નામ આપતા જણાવ્યું હતું કે,૨૦૧૭થી સિધ્ધી કોન્ટ્રકશન નામથી પોતે લેબર કોન્ટ્રાકટર તરીકે બાંધકામ, રોડ વગેરેનું કામ કરે છે.૧૪ મહિના પહેલા સપ્ટેમ્બર-૨૦૨૩ના છેલ્લા અઠવાડીયામાં તેઓ અને મિત્ર ભાગીદાર રમેશભાઇએ માહી બિલ્ડકોન કંપનીના માલિક તુષાર હરિશભાઇ રાવલને રાજકોટ મોટી ટાંકી પાસે ઓફિસ ખાતે મળ્યા હતાં.
ત્યારે તુષાર રાવલે એઇમ્સ હોસ્પિટલના કામ અંગે વાતચીત કરી હતી.આશરે ૮૦ લાખનું બે લાખ સ્કવેર ફુટ જેટલુ વોલ ટાઇલ્સ અને ફલોર ટાઇલ્સ (મારબલ)નું કામ હોવાનું જણાવ્યું હતું.તેમજ તુષાર રાવલે પોતાને રાજકોટ એઇમ્સ પાસેથી તમામ કોન્ટ્રાકટ મળ્યો હોવાનું પણ કહ્યું હતું.ત્યાર બાદ માહી બિલ્ડકોનના લેટરપેડ વાળો વર્ક ઓડર તુષાર રાવલે વ્હોટસએપથી મોકલ્યો હતો.તેના દસ દિવસ બાદ ધર્મેશભાઇએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે ટાઇલ્સનું કામ ચાલુ કર્યુ હતું.બાદમાં તેમણે કુલ બિલના ૧૫ લાખ સામે ફરિયાદીને રૂ.૪,૩૦,૦૦૦ જ ચુકવ્યા હોઇ બાકીના ૧૦,૭૦,૦૦૦ ન ચુકવતાં અને ઉઘરાણી કરતાં ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી દેતા તેઓએ ફરિયાદ નોંધાવી છે.