હું ખેડૂતોનો દિકરો છુ, ઝૂકીશ નહી : રાજ્યસભામાં તાડૂક્યા ધનખડ
ખડગેએ પલટવાર કરી પોતાને મજૂરનો પુત્ર ગણાવ્યો : ભારે હંગામા પછી ગૃહ સ્થગિત
વિરોધપક્ષે રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછી રાજ્યસભામાં આ મુદ્દે ગરમાવો ચાલી રહ્યો છે. શુક્રવારે એક તબક્કે સભાપતિ ધનખડે પોતે ખેડૂત પુત્ર છે, ઝૂકીશ નહી તેવું સ્પષ્ટ કહી દીધું હતું તો બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ પલટવાર કરીને કહ્યું હતું કે, હું મજુર પુત્ર છું અને અહી લોકોના પ્રશ્નો રજુ કરવા માટે આવ્યો છુ.
શુક્રવારે રાજ્યસભામાં આ મુદ્દો ઉપસ્થિત થયો હતો અને ભાજપના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય ઉપરાષ્ટ્રપતિને માન આપ્યુ નથી. કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયામાં તેમની સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પછી વિપક્ષે હંગામો કર્યો હતો અને ધનખડે આ મુદ્દે નારાજગી દર્શાવી હતી. તૃણમુલ સાંસદ ડેરેક ઓ બ્રાયને જયારે પોતાની વાત રાખી ત્યારે નારાજ થયેલા ધનખડે કહ્યું હતું કે, હું ખેડૂત પુત્ર છું અને ઝૂકીશ નહી. આ પછી ખડગેએ કહ્યું હતું કે, જો તમે ખેડૂત હો તો હું પણ મજુર પુત્ર છું. તમે વિપક્ષનું અપમાન કરો છો. અમે અહી તમારા વખાણ સાંભળવા નથી આવ્યા પણ દેશના મુદ્દા ચર્ચવા આવ્યા છીએ.
ધનખડે કહ્યું કે, આખો દેશ જાણે છે કે, તમને કોના વખાણ પસંદ છે. આ પછી ખડગેએ કહ્યું કે, તમે મારું અપમાન કરો છો તો પછી હું તમારું સન્માન કેવી રીતે કરી શકું. આટલી નોકઝોંક પછી પણ હંગામો ચાલુ રહેતા સભાપતિએ આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.