જામકંડોરણાના સનાળા ગામે રહેતી મહિલાએ 5 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવી લીધું
રાજકોટ જિલ્લામાં સામૂહિક આપઘાતની અરેરાટી મચાવી નાખતી એક ઘટના સામે આવી છે. જામકંડોરણાના સનાળા ગામમા રહેતા પરિવારની મહિલાને પતિ સાથે કામ પર જવા બાબતે ઝગડો થતાં તેણીએ તેના બે સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ગટગટાવી લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ , દાહોદથી જામકંડોરણાના સનાળા ગામે ખેત મજૂરી કરવા આવેલા ઈશ્વરભાઈ આદિવાસીની પતિ સેનાબેન (ઉ.વ.30)એ પોતાના 5 વર્ષીય પુત્ર આયુષ અને 6 વર્ષીય પુત્રી કાજલને પ્રથમ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા.અને બાદમાં પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.પતિ ઈશ્વરભાઈ ઘરે આવતા બનાવની જાણ જામકંડોરણના પોલીસ મથકમાં કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને માતા-પુત્ર અને પુત્રીના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે વાડીએ કામ કરવાની બાબતે માથાકૂટ થઈ હતી. જેના વાતનું પત્નીને લાગી આવતા તેણે બે સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ગટગટાવી લીધી હતી.હાલ આ મામલે પોલીસે મૃતક મહિલા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.