નલિયામાં 7.8 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન
રાજકોટ : કાશ્મીરમાં થતી હિમ વર્ષા અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી છેલ્લા બે દિવસથી રાજકોટમાં ઠંડી ભુક્કા બોલાવી રહી છે ત્યારે ગુરુવારે લઘુતમ તાપમાનનો પારો વધુ અડધો ડિગ્રી સરકી 9.1 ડિગ્રી થતા વહેલી સવારે અને મોડી રાત્રે રાજકોટમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે, જો કે, હજુ પણ ઠંડી પીછો છોડે તેમ નથી . આગામી બે દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર -કચ્છ અને ખાસ કરીને રાજકોટ માટે કોલ્ડવેવ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે રાજ્યમાં કચ્છનુ નલિયા 7.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સેન્ટર રહ્યું હતું.
ચાલુ વર્ષે શિયાળાએ મોડે મોડેથી દસ્તક દીધી છે છતાં માગશર મહિનાના પ્રારંભ સાથે જ શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે બુધવારે રાજકોટમાં 9.7 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યા બાદ ગુરુવારે લઘુતમ તાપમાન 0.6 ડિગ્રી ઘટીને 9.1 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન 12થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઉત્તર દિશાના પવનને કારણે દિવસભર ટાઢોડું રહેવાની સાથે મહત્તમ તાપમાન પણ એક ડિગ્રી ઘટીને 28.7 ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત રાજકોટ માટે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.
ગુરુવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, પોરબંદરમાં 11.5 ડિગ્રી, કેશોદમાં 11.7 ડિગ્રી અમરેલીમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું હતું.